Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

હેલ્મેટ આમાં પણ કામ લાગે?...ભૂતખાના ચોકમાં મહિલા વોર્ડને રિક્ષાચાલકને હેલ્મેટથી ફટકાર્યો

દુધ સાગર રોડ પ રહેતાં આસીફ પરમારને છાતીમાં દુઃખતું હોઇ પત્નિ સાથે દવા લેવા જતો'તો ત્યારે સાઇડ બંધ થઇ છતાં રિક્ષા હંકારતા ગાળ દઇ હુમલો કરવામાં આવ્યાનું યુવાનનું કથન

રાજકોટ તા. ૧૩: વાહન ચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ અતિ આવશ્યક છે. હેલ્મેટનો ઉપયોગ કરવો જ જોઇએ એ માટે પોલીસ અધિકારીઓ પણ સતત વાહનચાલકોને જાગૃત કરતાં રહે છે. હેલ્મેટનો મારામારીમાં પણ બીજો ઉપયોગ થઇ શકે છે, આ વાતની પ્રતિતી એક મહિલા ટ્રાફિક વોર્ડને કરાવી છે. ભૂતખાના ચોકમાં એક રિક્ષાચાલકની આ વોર્ડને હેલ્મેટથી ધોલાઇ કરતાં યુવાનને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે.

દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતો આસિફ મહમદભાઇ પરમાર (ઉ.૨૮) સાંજે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોતાને ભૂતખાના ચોકમાં ફરઝાનાબેને માર માર્યાનું જણાવતાં એ-ડિવીઝનમાં એન્ટ્રી નોંધાવાઇ હતી. હોસ્પિટલના બિછાનેથી આસિફે કહ્યું હતું કે પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પોતાને છાતીમાં દુઃખતું હોઇ પોતે પત્નિ આતિશા સાથે રિક્ષામાં બેસી હોસ્પિટલે જવા નીકળ્યો ત્યારે ભૂતખાના ચોકમાં સિગ્નલે પહોંચ્યો ત્યાં જ સાઇડ બંધ થઇ ગઇ હતી. પણ પોતાને હોસ્પિટલે પહોંચવું હોઇ રિક્ષા ઝડપથી કાઢી લેવા પ્રયાસ કરતાં મહિલા વોર્ડન ફરઝાનાબેનેગાળ ભાંડતા તેને ગાળ દેવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ હેલ્મેટથી હુમલો કરી દીધો હતો. અગાઉ પોતે પડોશમાં જ રહેતાં હોવાથી પોતે આ મહિલા વોર્ડનને ઓળખતો હોવાનું પણ આસિફે કહ્યું હતું. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)