Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

નવ લાખની ઠગાઇના ગુનામાં આઠ વર્ષથી વોન્ટેડ જીજ્ઞેશ વ્યાસને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ, તા.૧૩: ફોર્ચ્યુન એકટીવીટી બ્રોકર્સ (ઇન્ડિયા) લી.નામની કંપની સાથે ૯.૧૩ લાખની છેતરપીંડી કરવાના ગુનામાં આઠ વર્ષથી ફરાર રાજકોટ ઓફીસના કર્મચારીને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ઝુંબેશ રાખવામાં આવેલ હોઇ જે અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી ડીસીપી રવિ મોહન સૈની અને મનોહરસિંહ જાડેજાએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇએચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.પી.ઉનડકટ, હેડ કોન્સ જગમાલભાઇ, ભરતભાઇ વનાણી, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ, સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજા સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે જગમાલભાઇ, સંતોષભાઇ અને મયુરભાઇને મળેલી બાતમીના આધારે આણંદથી જીજ્ઞેશ રશ્મીકાંત વ્યાસ (ઉ.વ.૪૧) રહે.મૂળ ભાવનગર હાલ આણંદ બાકરોલ રોડ ઓરચીડ ટાવર સી-૨ ને પકડી લીધો હતો. પકડાયેલો જીજ્ઞેશ આઠ વર્ષ પહેલા ફોર્ચ્યુન એકટીવીટી બ્રોકર્સ (ઇન્ડિયા) લી.નામની કંપનીની રાજકોટ જવાહર રોડ પર આવેલી ઓફીસમાં નોકરી કરતો હતો. અને પોતે ગ્રાહકો પાસેથી અલગ અલગ રીતે ડીમાન્ડ ડ્રાફટ તથા શેર કંપનીના એકાઉન્ટમાં જમા કરવાના બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરી રૂ.૯,૧૩,૨૩૬ની છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે ૨૦૧૧માં એ ડીવીઝન પોલીસ મથકમાં જીજ્ઞેશ વ્યાસ વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો.

(3:32 pm IST)