Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રાજકોટ-ઉદેપુર સસ્તા ભાડાની હવાઇ સેવા શરૂ થવાની શકયતા

શ્રીનાથજીના દર્શન કરવા જવાનું અને રાજસ્થાન ફરવા જવાનું સરળ બનવાનો સંકેત : રાજકોટ-મુંબઇ હમસફર ટ્રેન અઠવાડિયે ત્રણ દિવસના બદલે દરરોજ શરૂ કરાવવા સાંસદ મોહનભાઇ કુંડારિયાના પ્રયાસો

રાજકોટ તા. ૧૩ :.. ભાજપના સંસદ સભ્ય શ્રી મોહનભાઇ કુંડારીયાએ કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત રાજકોટ - ઉદેપુર વચ્ચે સસ્તા ભાડાની વિમાન સેવા શરૂ કરવા કેન્દ્રીય ઉડયન મંત્રીશ્રી સુરેશ પ્રભુને રજુઆત કરી છે. તેને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

હવાઇ સેવા સબંધી સાંસદોના સુચન માટેની બેઠકમાં મોહનભાઇએ જણાવેલ કે રાજસ્થાનના સુપ્રસિધ્ધ ધર્મસ્થાન શ્રીનાથજી જવા માટે સૌરાષ્ટ્રમાંથી ઘણો ઘસારો રહે ેછે. રાજકોટથી ઉદેપુર આશરે પ૦૦ કિ. મી. દૂર આવેલું છે. ઉદેપુરથી નાથદ્વારા માત્ર ર૦ કિ. મી. દૂર છે. રાજકોટ-ઉદેપુર વચ્ચે સસ્તા ભાડાની મર્યાદિત બેઠકોની ક્ષમતા ધરાવતી વિમાન સેવા શરૂ કરવામાં આવે તો નાથદ્વારા દર્શને અને રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં  ફરવા જતા લોકોને બહુ ઉપયોગી થાય તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉડાન યોજના અંતર્ગત આ રૂટની હવાઇ સેવા શરૂ થાય તો ભાડુ રૂપિયા ૧પ૦૦ થી ર૦૦૦ રહેવાની ધારણા છે.મોહનભાઇએ રાજકોટ-મુંબઇ વચ્ચેની હમસફર ટ્રેન સેવાને હાલની અઠવાડીયામાં ૩ દિવસના બદલે દરરોજ કરવા માટે રેલ મંત્રી પીયુષ ગોયલને રજૂઆત કરી છે. રાજકોટથી દિલ્હી નાઇટ ફલાઇટ સેવા શરૂ કરાવવા અને અમદાવાદ-દિલ્હી રાજધાની એકસપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાના પ્રયાસો આગળ વધાર્યા છે.

(3:19 pm IST)