Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

આવો આપણે સૌ 'કેરિયર ઓરીએન્ટેડ' બનવાને બદલે 'નેશન ઓરીએન્ટેડ' બનીએ

 આપણે નાનપણથી વડીલો તરફથી એક વાત સાંભળતા આવીએ છીએ કે બેટા 'કેરિયર ઓરીએન્ટેડ' બનો, ફાલતુ વાતોમાં કે કામમાં સમય ના બગાડો,તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અત્યારથી જ મહેનત કરો.આવું ઘણુબધું આપણે સાંભળતા આવીએ છીએ.આપણાં સમયમાં આવું થોડું ઓછું હતું પરંતુ આજની નવી પેઢીનાં માં-બાપ તો કોમ્પ્યુટરની જેમ નાનપણથી જ બાળકોનું પણ પ્રોગ્રામીંગ ચાલુ કરી દે છે.પણ કયારેય આપણે એવું સાંભળ્યું કે માં-બાપ પોતાના બાળકોને 'કેરિયર ઓરીએન્ટેડ' બનવાને બદલે એમ કહે કે બેટા 'નેશન ઓરીએન્ટેડ' બનો.દેશનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અત્યારથી જ મહેનત કરો.આવું કહેતા કોઈને સાંભળ્યા છે ? નથી સાંભળ્યા ને ?

 વાસ્તવિકતામાં બદલાતાં સમય સાથે આપણે સૌ એટલા બધા ‘Self Centered’ થઇ ગયા છીએ કે હું અને મારું ઘર,મારાં બાળકો,મારી ઓફીસ,મારો ધંધો,મારો બંગલો,મારી ગાડી બસ ફકત મારું મારું અને મારું જ આમાં દેશ માટેની તો કોઈ વાત જ આવતી નથી.તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇસ્ટ ચાઈના યુનિવર્સીટી હેઠળ ચીનમાં એક ઇન્સ્ટીટયુટ છે જેનું નામ છે Institute of International and Compa rative Education(IICE)  તેમાં Nation - Oriented Comparative  Education નામનો કોર્ષ ચાલે છે.તે જ રીતે નાની ઉંમરથી જ બાળકો દેશ માટે વિચારતા થાય તે માટે ઇઝરાયેલ જેવા દેશોની શાળાઓમાં જ તે પ્રકારની તાલીમ સાથે દેશભકિતના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.ત્યાંના લોકો સમજે છે કે દેશની સમૃદ્ઘિમાં જ આપણી સમૃદ્ઘિ છે,દેશનાં વિકાસમાં જ આપણો વિકાસ છે,દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ છે.તે લોકો સમજે છે અને એટલાં માટે જ તમે જુઓ આપણને આઝાદી મળી ત્યાર પછીના વર્ષોમાં જે દેશો આઝાદી મેળવી ગુલામીમાંથી મુકત થયા હોય તેવા દેશો આજે આપણાં કરતાં કયાંય આગળ નીકળી ગયા છે. ભારતની સાથે અથવા ત્યારબાદ આઝાદ થયેલા ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, જોર્ડન,એસ્ટોનિયા,ઇઝરાયેલ વગેરે દેશોએ જે પ્રગતિ કરી છે તેની સરખામણીમાં ઘણીબધી બાબતોમાં આપણે હજુ ખુબ જ પાછળ છીએ.

 આ બધા દેશો શા માટે ઝડપી પ્રગતિ કરી શકયાં ? તેના કારણોમાં જો ઊંડા ઉતરશું તો ખ્યાલ આવશે કે ત્યાંના લોકો 'કેરિયર ઓરીએન્ટેડ' નહીં પરંતુ 'નેશન ઓરીએન્ટેડ' છે એટલાં માટે આ બધાં દેશો આપણાથી આગળ નીકળી ગયા. 'નેશન ઓરીએન્ટેડ' એટલે શું ? તો કંઈ પણ કરતા પહેલાં દેશનો વિચાર કરવો. હું આ કામ કરીશ તો મારા દેશને ફાયદો થશે કે નુકશાન ? મને શું ફાયદો થાય તે જોવાને બદલે દેશનો ફાયદો-ગેરફાયદો વિચારતાં થશું તો દેશની પ્રગતિ ની સાથે આપણી પ્રગતિ પણ નિશ્ચિત છે.આપણી ક્રિકેટ ટીમ ભારતને વિશ્વકપ જીતાડે તો દેશને ફાયદો છે કે નુકશાન ? ફાયદો જ છે ને.દેશની આબરૂ વિશ્વકક્ષાએ ક્રિકેટમાં વધે તે પણ એક દેશ ગૌરવની જ વાત છે.પરંતુ દેશના ફાયદાની સાથે સાથે ટીમનાં પ્લેયર્સને પણ લાભ મળ્યો કે નહીં ?? તેવી જ રીતે દેશનો વૈજ્ઞાનિક કોઈ નવીન શોધ કરે અને તેને વિશ્વકક્ષાએ નામના મળે તો એ પણ દેશ માટેનું જ કામ થયું કે નહિ ? તમે કોઈપણ કાર્યમાં કે કોઈપણ ક્ષેત્રમાં પ્રમાણીકતાથી, ઈમાનદારીથી પ્રગતિ કરો તે દેશની જ પ્રગતિ છે અને દેશની પ્રગતિ થાય એટલે આપોઆપ સૌ દેશવાસીઓની પણ પ્રગતિ થવાની જ છે.

 હમણાં ૨૬મી જાન્યુઆરીએ ભારતરત્ન,પદ્મશ્રી અને પદ્મવિભૂષણ જેવાં એવોર્ડ્સ ભારત સરકાર તરફથી જાહેર થયાં. આ નામોની યાદી જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાંના તમામ લોકોએ પોત-પોતાનાં ક્ષેત્રમાં દેશહિત માટેનું ઉતમ કાર્ય કર્યું છે.પોતાનું સંપૂર્ણ જીવન કોઈ એક કાર્યમાં,બીજાના ભલા માટે ખપાવી દીધું હોય તેવાં લોકોને સરકારે અવોર્ડ આપ્યા છે.તો આ તમામ લોકોને કેવા છે ? 'નેશન ઓરીએન્ટેડ'. તેમણે બીજા લોકોને મદદ કરવા માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું તો સાથે સાથે તેમની પણ પ્રગતિ થઇ અને રાષ્ટ્રનિર્માણનું પણ કાર્ય થયું.

 આજકાલ વિદેશ જવાની પણ એક ફેશન ચાલી છે.પછી ભલે ત્યાં જઈને પેટ્રોલ પંપમાં નોકરી કરે પણ કમાણી તો ડોલરમાં જ.આવું ગાંડપણ ખાલી યુવાનોને જ છે તેવું નથી માં બાપ પણ ઘેલાં બન્યા છે.આપણો દીકરો ફોરેન ભણે છે એવો માભો સમાજમાં રાખવા માટે પોતે ભલે તૂટીને ત્રણ થઇ જાય, બેંકમાંથી લોન લે પણ વિદેશ તો મોકલવો જ.વિદેશ જવુ એ ખરાબ નથી.જો અનુકુળતા હોય તો વિદેશ જવુ જોઈએ.ત્યાંની સારી બાબતોનું અનુકરણ પણ કરવું જોઈએ પણ કંઈ જોયા જાણ્યાં વગર આપણું બધું ખરાબ અને વિદેશનું બધું સારું એવી માન્યતા ધરાવવી એ અતિ ખરાબ છે.ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનો અભ્યાસ કરો અને પછી તમે કંઈ નક્કી કરો તો બરાબર પણ સાવ આંધળુકિયા બીજો કરે એટલે કુદી પડવું તે યોગ્ય નથી.

 ઈન્ફોસીસના ફાઉન્ડર શ્રી નારાયણ મૂર્તિ ને જેણે વાંચ્યા હોય તેને ખબર હશે કે તેઓ વિદેશમાં ખુબ સારી કંપનીમાં ઊંચા પગારથી નોકરી કરતા હતા અને ત્યાં હજુ વધારે આગળ વધવાની તક પણ તેની પાસે હતી પરંતુ તેમણે વિચાર્યું કે હું આ જ કામ મારા દેશમાં જઈને શા માટે ન કરું ? મારા દેશનાં હજારો યુવાનોને હું રોજગારી આપીશ અને મારા દેશને સોફ્ટવેર ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે પહોચાડવા માટે હું ભારતમાં જ કામ કરીશ અને આ ભાવના સાથે તેઓ ભારત પરત આવે છે અને ઈન્ફોસીસની સ્થાપના કરે છે. આજે હજારો યુવાનોને રોજગારી તો આપે જ છે સાથે સાથે દેશને પણ અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ પણ કમાઈને આપે છે અને કરોડો રૂપિયાનો ટેકસ દેશને ચૂકવી દેશ પ્રત્યેનું પોતાનું ઋણ પણ અદા કરે છે.

 આપણો દેશ આજે વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે.દેશનાં યુવક-યુવતીઓ જો માત્ર 'કેરિયર ઓરીએન્ટેડ'બનવાને બદલે 'નેશન ઓરીએન્ટેડ'બની પોતાનું કાર્ય કરશે તો આ દેશને ફરીથી વિશ્વગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે.તો આવો આપણે સૌ દેશ માટે જીવીએ,દેશ માટે વિચારીએ અને દેશ માટે કામ કરીએ.ભારત માતા કી જય.વંદે માતરમ  

પ્રશાંત વાળા

મો.૯૯૨૪૨૦૯૧૯૧

(11:30 am IST)