Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઓમનગરના બાલાજી ઓટોવાળા મનિષ પંડ્યા સાથે મુંબઇના બે શખ્સોની ૩II કરોડની ઠગાઇ

ઇમ્પોર્ટેડ કારના સોદામાં બ્રોકરે મર્સિડિઝ, પોરસે સહિતની મોંઘીદાટ કારની લોન ભરપાઇ કરી દીધા બાદ એનઓસી ન આપ્યાઃ સિધ્ધાર્થ માંડવીયા અને વિશાલ તન્ના સામે ગુનો દાખલઃ વિશાલ મુળ ગાંધીધામનોઃ ૨૦૧૪માં ધંધાકીય ઓળખાણ થયા બાદ બંનેએ કાવત્રુ રચી 'ધૂંબો' મારી દીધોઃ ઓટો બ્રોકરે ફોન કરી પૈસાની ઉઘરાણી કરતાં બંનેએ -અમારી પાસે મુંબઇના ઘણા ગુંડા છે, જાનથી મારી નાંખશું તેવી ધમકી દીધી

રાજકોટ તા. ૧૩: મવડી રીંગ રોડ ઓમનગર બીઆરટીએસ પાસે બાલાજી ઓટો નામે ઇમ્પોર્ટેડ કાર લે-વેંચનો ધંધો કરતાં બ્રાહ્મણ યુવાન સાથે મુંબઇના બે શખ્સોએ કારના સોદામાં રૂ. ૩II કરોડ મેળવી લઇ તેમજ એક કારની ખોટી એનઓસી બનાવી ભુજ આરટીઓમાં ખોટા નામે રજૂ કરી કાર ટ્રાન્સફર કરાવી લઇ ઠગાઇ કરતાં તેમજ પાંચ કારની સાડા ત્રણ કરોડની લોન ચાલુ હોઇ તે આ યુવાને ભરપાઇ કરી દીધા બાદ પણ તેને મુંબઇના બંને શખ્સોએ એનઓસી નહિ આપી કાવત્રુ રચી છેતરપીંડી કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવ બાબતે પ્ર.નગર પોલીસે પર્ણકુટીર સોસાયટી-૭૪/૧માં 'જય સોમનાથ' ખાતે રહેતાં અને ઓમનગર બીઆરટીએસ પાસે બાલાજી ઓટો નામે ઇમ્પોર્ટેડ કાર લે-વેંચનો ધંધો કરતાં ઓટો બ્રોકર મનિષભાઇ પ્રફુલભાઇ પંડ્યા (ઉ.૩૮)ની ફરિયાદ પરથી મુંબઇ શાંતાક્રુઝ વેસ્ટ ક્રોફટ લેન પૂજા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧માં રહેતાં સિધ્ધાર્થ પ્રકાશભાઇ માંડવીયા તથા મુળ ગાંધીધામના હાલ મુંબઇ રહેતાં વ્શિાલ તન્ના સામે આઇપીસી ૧૨૦-બી, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૫૦૭ મુજબ ગુનો નોંધ્યો છે.

મનિષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૪માં જે તે વખતે ગાંધીધામ રહેતાં અને હાલ મુંબઇ સ્થાયી થયેલા વિશાલ તન્ના સાથે મુલાકાત થઇ હતી. તે પણ કાર લે-વેંચનું કામ કરતો હોઇ જેથી ધંધાકીય મુલાકાતો વધતી ગઇ હતી. વિશાલ થકી મારે મુંબઇના સિધ્ધાર્થ માંડવીયા સાથે સંપર્ક થયો હતો. આ બંને પાસેથી મેં ૨૦૧૪માં મર્સિડિઝ કાર ખરીદી હતી. જે ઝારખંડની હતી. આ બંને પર પુરો વિશ્વાસ થતાં બંને રાજકોટ આવ્યા હતાં અને રેસકોર્ષ રીંગ રોડ બિગબાઇટ ખાતે એકઠા થયા હતાં. આ મુલાકાત વખતે બીએમડબલ્યુ કાર જીજે૧૨સીડી-૮૯૧૦ રૂ. ૪૨ લાખમાં ખરીદવાનો સોદો નક્કી થયો હતો. જેમાં બેંક લોન હોઇ જેથી મેં રૂ. ૪૦લ ાખ ચુકવી દીધા હતાં અને બે લાખ બાકી રાખ્યા હતાં. બેંક એનઓસી મળે એ પછી મારે આ બે લાખ ચુકવવાના હતાં.

એ પછી પોરસે કાર પીવાય૦૧બી૨-૦૯૯૯નો સોદો ૯૫ લાખમાં થયો હતો. એ કાર પણ બેંક લોનમાં હતી. મેં તેના પુરેપુરા ૯૫ લાખ ચુકવી દીધા હતાં. પુરેપુરી પંચાણુ લાખની લોન આ કારમાં હતી. એ પછી મેં ફોકસવેગન ફાયનાન્સમાં બીજા ૯૫ લાખ ભરી દીધા હતાં. ત્યારબાદ ત્રણ મર્સિડિઝ કાર જીજે૩જેસી-૧૫૧૫, એમએચ૦ડી૨-૪૪૪૦ તથા પીવાય૦૧સીવજી-૦૦૬૩નો સોદો ૧,૬૭,૦૦,૦૦૦ (એક કરોડ સડસઠ લાખ) રૂપિયામાં મેં કર્યો હતો. આ ત્રણેય કારની બેંક લોન પણ મેં કલીયર કરાવી આપી હતી. ફોકસવેગન ફાયનાન્સમાં લોન હોઇ મેં ટોકન પેટે બે લાખ આપતાં મને પાક્કો વિશ્વાસ અને વચન અપાયા હતાં. સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરાયું હતું.

એ પછી બેંક એનઓસીની તપાસ કરતાં ભુજ આરટીઓમાં તેમજ ફોકસવેગન ફાયનાન્સમાં લોનની તપાસ કરતાં લોન ચાલુ હોવાની ખબર પડી હતી. આમ આ બંનેએ ખોટી બનાવટી એનઓસી તૈ્યાર કરી હોવાનું અને ભુજ આરટીઓમાં બીજાના નામે ટ્રાન્સફર થયેલ હોવાની ખબર પડી હતી. ભુજ આરટીઓમાં પણ ખોટી એનઓસી રજૂ કરવામાં આવી હતી. આ બંનેએ મળી ઇમ્પોર્ટેડ કારના સોદામાં મારી પાસેથી કુલ રૂ. ૩ કરોડ ૫૦ લાખ મેળવી લઇ મને કાર પણ ન આપી અને પૈસા પણ પાછા ન આપતાં મેં વારંવાર ઉઘરાણી કરતાં બંનેએ થોડા દિવસ તો આપી દેશે તેવી વાતો કરી હતી. પણ હવે તે જો પૈસા માટે ફોન કરીશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતાં હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે.

આ બંનેએ જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે, અમારી પાસે મુંબઇમાં ઘણા ગુંડાઓ છે તેમ કહેતાં હું ગભરાઇ ગયો હતો અને ફરિયાદ કરી નહોતી. પણ હવે મિત્રો-સગાએ ફરિયાદ કરવા કહેતાં મેં પોલીસને જાણ કરી હતી. આ બંનેએ પહેલેથી જ ગુનાહિત કાવત્રુ રચી મારી પાસેથી સાડા ત્રણ કરોડ મેળવી લઇ તેમજ ઓડી કાર જીજે૧૨સીડી-૩૩૩૦ની ખોટી એનઓસી બનાવી ભુજ આરટીઓમાં રજૂ કરી તેનો ઉપયોગ કરી છેતરપીંડી કરી ઠગાઇ કરી છે. તેમ મનિષભાઇ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું છે.

પ્ર.નગરના પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. રાઠોડ અને ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી છે. (૧૪.૬)

 

(11:27 am IST)