Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સ્વચ્છતા સર્વેક્ષણનો આજે છેલ્લો દિ': ટીમે ગંદકી જોઇ

પાંચ દિ' થયા સ્વચ્છતા સર્વેક્ષણની ટીમના રાજકોટમાં ઘટયા : કેટલાક વિસ્તારોમાં ખાનગી મુલાકાત લીધી : સ્વચ્છ ટોઇલેટ-સ્વચ્છ રસ્તા-સ્વચ્છએપના માર્ક ઉમેરાશે પરંતુ ગંદા વિસ્તારો-કચરા નિકાલ અંગેના માર્ક કપાવાની ભીતીઃ સ્વચ્છતામાં ૧૭માં ક્રમાંકથી આગળ વધવા તંત્ર કટ્ટીબધ્ધ

રાજકોટ તા. ૧૩ :.. શહેરને સ્વચ્છતામાં અગ્રતાક્રમ મળે તે માટે મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાની સહિતનાં અધિકારીઓ છેલ્લા છ મહીનાથી 'સ્વચ્છતા સર્વેક્ષણ' નાં ઇન્સ્પેકશનની તૈયારી કરી રહ્યા હતાં. દરમિયાન છેલ્લા પાંચ દિવસથી કેન્દ્ર સરકારની 'સ્વચ્છતાં સર્વેક્ષણની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે.' અને આજે તેનો છેલ્લો દિવસ છે ત્યારે આ ટીમે શહેરમાં કેટલાક સ્થળોએ ગંદકી જોઇ હતી. તો કોર્પોરેશને સ્વચ્છતાં માટે કરેલી વ્યવસ્થાઓ નિહાળી પ્રભાવીત પણ થઇ હતી.

આ અંગે કોર્પોરેશનનાં સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 'છેલ્લા પાંચ દિવસથી કેન્દ્ર સરકારની' 'સ્વચ્છતા સર્વેક્ષણ' ની ટીમો રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં ખાનગી રાહે મુલાકાત લઇ સામાન્ય નાગરીકોને સફાઇ ત્થા ગંદકીને લગત વ્યવસ્થાઓનો સર્વે કરી રહેલ છે.

આ દરમિયાન સફાઇની ફરીયાદો, સ્વચ્છતા માટે કરાયેલ વ્યવસ્થાએ નિહાળી હતી. જેમાં પડતર કચરાનાં ઢગલા અંગે માર્ક કપાવાની ભીતિ છે. ઉપરાંત નાકરાવાડી ડમ્પીંગ યાર્ડમાં  કચરાનો પ્રોસેસીંગ પ્લાન્ટ હજૂ શરૂ થયો ન હોઇ તેનાં માર્ક કપાવાની ભીતિ વ્યકત થઇ રહી છે.

જો કે મ્યુ. કોર્પોરેશન દ્વારા જાહેર શૌચલયોનું રીનોવેશન-ફીડબેક મશીન, રાજમાર્ગો ઉપર સુકા-ભીના કચરા પેટી મુકવી, બીનલેશ સીટી, જાહેરમાં શૌચ ફ્રી સીટી  અને 'સ્વચ્છ એપ' દ્વારા ફરીયાદ નિકાલ સહિતની વ્યવસ્થાઓનાં માર્ક ઉમેરાશે તેથી આ વર્ષે સ્વચ્છતામાં રાજકોટનો ક્રમાંક ૧૭ થી આગળ વધશે તેવી આશા અધિકારીઓ વ્યકત કરી રહ્યા છે.

(4:13 pm IST)