Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

હમણા આવીએ કહીને ઘરેથી નીકળેલા બે મિત્રો એક સાથે કાળનો કોળીયો થયાઃ લુહાર અને કોળી પરિવારમાં કલ્પાંત

ગાંધી સ્મૃતિના દિલીપભાઇ (રાજુભાઇ) પીઠવા (ઉ.૫૦) તથા દૂધ સાગર રોડના રાજેશભાઇ બાબરીયા (ઉ.૩૦) બાઇક પર આટો મારવા નીકળ્યા અને ઘંટેશ્વર પાસે આઇશરે ઉલાળી દીધા

બંને મિત્રોના મૃતદેહ, બાઇક તથા આઇશરના નંબર જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર  આસ્થા ટાઉન શીપ સામેના રોડ પર ગોળાઇમાં રાત્રીના આઇશરના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇકસ્વાર પેડક રોડ પર રહેતાં લુહાર પ્રોૈઢ અને તેની સાથેના તેના મિત્ર કોળી યુવાનને ગંભીર ઇજા થતાં બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. બંને કામ સબબ જઇ રહ્યા હતાં અને કાળ ભેટી જતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ સોસાયટીમાં રહેતો કોળી યુવાન રાજેશભાઇ બાબુભાઇ બાબરીયા (ઉ.૩૦) રાત્રીના પોતાના બાઇક નં. જીજે૩એચઇ-૯૫૯૯માં પોતાના મિત્ર પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટી-૧ શેરી નં. ૩માં રહેતાં દિલીપભાઇ (રાજુભાઇ) અરજણભાઇ પીઠવા (ઉ.૫૦) નામના લુહાર પ્રોૈઢને પાછળ બેસાડી જામનગર રોડ પર કામ સબબ જવા નીકળ્યા હતાં. બંને ઘંટેશ્વર પાસે નવા રીંગ રોડ પર પહોંચ્યા ત્યારે આઇશર નં. જીજે૩એટી-૪૯૩૨ના ચાલકે બાઇકને ઉલાળતાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.

બનાવની જાણ થતાં બંને મૃતકના સ્વજનો દોડી ગયા હતાં. યુનિવર્સિટીના પી.એસ.આઇ. કે. જે. વાઘોશી અને રાઇટર ગિરીરાજસિંહએ ઘટના સ્થળે પહોંચી મૃતક રાજેશભાઇ કોળીના ભાઇ જીતેશ બાબુભાઇ બાબરીયાની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા આઇશર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

મૃત્યુ પામનાર દિલીપભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર કેતનભાઇ અને ધર્મેશભાઇ છે. પત્નિનું નામ અલ્કાબેન છે. પિતા અરજણભાઇ હયાત છે, માતા હયાત નથી. દિલીપભાઇ લુહારી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. આધારસ્તંભના મોતથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

જ્યારે તેમની સાથે મૃત્યુ પામનાર મિત્ર રાજેશભાઇ બે ભાઇમાં મોટો હતો અને મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો અને પરિણીત હતો. યુવાન દિકરાના મોતથી કોળી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. બંને મિત્રો દરરોજ સાંજે કામેથી ઘરે આવ્યા બાદ આંટો મારવા નીકળી જતાં હતાં. ગઇકાલે પણ હમણા આવીએ કહીને નીકળ્યા બાદ બંનેને એક સાથે કાળ ભેટી ગયો હતો.

 

(10:35 am IST)