Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કાલે આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે

પતંગ પ્રેમીઓ વ્હેલી સવારથી જ ધાબા-અગાસીઓ ઉપર ચડી જશેઃ આખો દિવસ એ કાયપો છે.... ના નારા ગુંજશે : પતંગ રસીયાઓ ડીજે મ્યુઝીકના સંગાથે પતંગોના પેચ લડાવશેઃ જીંજરા, ચીકી, ઉંધીયાની જયાફત માણશેઃ આજે સાંજે પતંગ બજારમાં ધુમ ધરાકી રાત્રીના આતશબાજીના પણ આયોજનો જોવા મળશે

પતંગના રસિયાઓ અને સામાન્ય લોકો પણ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હોય છે તે ઉત્તરાયણની આવતીકાલે શાનદાર અને પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. આવતીકાલે ઉત્તરાયણના દિવસે  એ કાપ્યો.... લપેટની ધૂમ શહેરમાં ચારેબાજુ જોવા મળશે. નાના અને મોટા મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી ભીડ જોવા મળશે. દરેક વયના લોકો મનમુકીને ઉત્તરાયણની ઉજવણી કરતા નજરે પડશે.

આવતીકાલે તા.૧૪મી જાન્યુઆરી એટલે પતંગરસિયાઓ માટે મન ભરીને પતંગ ચગાવવાનો અને મોજ માણવાનો તહેવાર ઊતરાયણ. આવતીકાલે મકરસંક્રાતિ હોઇ સૂર્યનારાયણ દેવ પણ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાતિના પ્રારંભ સાથે જ આવતીકાલે ધનાર્ક કમૂર્હતાની પણ પૂર્ણાહુતિ થશે.

 ઉત્સાહી પતંગ રસિયાઓએ   ઊતરાયણના તહેવારની મોજ માણવા ખાસ તૈયારીઓ પણ કરી છે અને મોડી સાંજથી જ ધાબાઓ, અગાસી પર મ્યુઝીક સીસ્ટમ, સ્પીકર્સ અને લાઉડ સ્પીકર ગોઠવી દીધા હતા. મ્યુઝીક, ડાન્સ, ડીજેના તાલ અને ગીતોની ધૂમ વચ્ચે ઊતરાયણની ધમાકેદાર ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. એટલું જ નહી, દિવસ દરમ્યાન પતંગ ચગાવ્યા બાદ રાતના અંધકારમાં સફેદ પતંગ, તુક્કલ ચગાવવાની મોજ માણવાનું પતંગરસિયાઓ બાકી રાખ્યું નથી. તો, રાત્રિના સમયે ધાબા-ટેરેસ પર લાઇટીંગ અને ડી.જે.મ્યુઝિકના તાલ વચ્ચે ફટાકડા અને આતશબાજીના આયોજનો પણ કરાયા છે, જેને લઇ રાતે દિવાળી જેવો માહોલ જામશે.

 ઊતરાયણના તહેવારને લઇ પતંગરસિયાઓએ મોડી રાત સુધી શહેરના વિવિધ  પતંગ-દોરી બજારોમાં ખરીદી કરી હતી, જેને લઇ પતંગ-દોરી બજારો મોડી રાત સુધી ધમધમ્યા હતા. છેલ્લા કેટલાક દિવસો સુધી સુસ્ત અને સૂના લાગતા બજારો છેલ્લા કલાકોની ખરીદીના કારણે માનવમહેરામણરૂપી કિડિયારાથી જાણે ઉભરાયા હતા. પતંગ-દોરીના બજારોમાં જોરદાર ઘરાકી, ભીડભાડ અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

ઊતરાયણની ઉજવણીની ભરપૂર મોજ માણવા પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝીક અને નાચ-ગાનની મજા માણવા સોસાયટીઓ, શેરીઓના અને પોળોના ધાબાઓ, અગાસીઓમાં આયોજનો થયા છે.  ઉંધિયા-જલેબીની જયાફતની તૈયારીમાં વ્યસ્ત બની હતી. ગૃહિણીઓએ તલ સાંકડી, મમરાના લાડુ, તલ-સીંગની ચીકી સહિતની અન્ય ચીજવસ્તુઓ પણ ઉજવણીના ભાગરૂપે તૈયાર કરી દીધી હતી.

તસ્વીરમાં બાળકોથી માંડી મોટેરાઓ પતંગ-દોરાની ખરીદી કરતાં જોવા મળે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:58 pm IST)