Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

'કાળા કાચ રાખીશ જ, જો મારા ઘરે મેમો આવ્યો તો તમને કાર નીચે કચડી નાખીશ'...પ્ર.નગરના પીએસઆઇને મળી ધમકી

રેલનગરમાં કાળાકાચવાળી અને નંબર પ્લેટ વગરની કાર અટકાવાતાં ચાલકે પ્ર.નગર પોલીસ સાથે કરી જીભાજોડીઃ સલિમ નામનો શખ્સ બીજા વાહનોને અને રાહદારીઓને નુકસાન થાય એ રીતે બંબાટ સ્પીડથી ફરાર થઇ ગયો

રાજકોટ તા. ૧૨: રેલનગર રોડ પર  આગળ નંબર પ્લેટ રાખ્યા વગર અને પાછળ શંકાસ્પદ નંબર ગાડી નીકળેલી સફેદ રંગની કાળા કાચવાળી ગાડીના ચાલકને પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ અને  સ્ટાફે તપાસ માટે અટકાવી લાયસન્સ માંગતા ચાલકે લાયસન્સ નથી, હું કાળા કાચ રાખીશ જ...થાય તે કરી લેજો...તેમ કહેતાં મોબાઇલ એપ્લીકેશન આરટીપીમાં તેની ગાડીના ફોટા અપલોડ કરી મેમો આપતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને 'હું તમને રોડ પર જ મારી ગાડીથી ઉડાવી દઇશ' તેમ કહી ધમકી આપી ગાડી ચાલુ કરી ભાગી જતાં ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ બારામાં પીએસઆઇ કે. ડી. પટેલની ફરિયાદ પરથી જીજે૩જેસી-૩૫૦ નંબરની કારના ચાલક સલિમ નામના શખ્સ સામે આઇપીસી ૨૭૯, ૫૦૬ (૨), ૧૮૬ મુજબ ગુનો નોંધાયો છે. પીએસઆઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૧મીએ બપોરે અઢી વાગ્યે પોતે તથા કોન્સ. મનજીભાઇ ડાંગર, કોન્સ. જયેન્દ્રસિંહ પરમાર સહિતના વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં ત્યારે રેલનગર રોડ પર કાળા કાચવાળી કાર નીકળી હતી. જેમાં આગળ નંબર પ્લેટ નહોતી અને પાછળ નંબર શંકાસ્પદ લાગતાં કાર ઉભી રખાવી હતી. કોન્સ. મનજીભાઇએ તેનું નામ પુછી ડ્રાઇવીંગ લાયસન્સ માંગતા તેણે પોતાનું નામ સલિમ હોવાનું કહ્યું હતું અને લાયસન્સ નહિ હોવાનું જણાવ્યું હતું.

બાદમાં પીએસઆઇ પટેલે તેને કાળા કાચ શા માટે રાખ્યા છે? તેમ પુછતાં તેણે 'હું તો કાળા કાચ રાખીશ જ, તમારાથી જે થાય તે કરી લો' તેમ કહેતાં પીએસઆઇ પટેલે મોબાઇલ એપ્લીકેશન આરટીપીમાં તેની કારના ફોટા અપલોડ કરી મેમો આપતાં તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને 'જો ઘરના સરનામે મેમો આવ્યો તો હું તમને રોડ પર મારી ગાડીથી ઉડાવી દઇશ' તેમ કહી ધમકી આપી હતી. સાથેના કર્મચારીઓએ કાળા કાચ ુર કરવાનો પ્રયાસ કરતાં તેણે તેમાં અડચણ ઉભી કરી હતી અને તમને કાળા કાચ દુર કરવાની કોઇ સત્તા નથી તેમ કહી રાહદારીઓને અકસ્માત નડે તે રીતે પુરઝડપે કાર હંકારી ભાગી ગયો હતો. પી.આઇ. બી. એમ. કાતરીયાની રાહબરીમાં આ શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(3:54 pm IST)