Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

છેલ્લી... ઘડી...એ...

ભાજપ શાસકોની મ.ન.પા.ના કર્મચારીઓને ભેટ : ઘરનું ઘર ફાળવવા લીધો નિર્ણય

રાજકોટ તા. ૧૨ : મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા તથા હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨ સુધીમાં કોઈ ઘર વિહોણું ન રહે તેવા આયોજન સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રધાનમંત્રી – મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પ્રોજેકટ હાથ ધરી, અત્યાર સુધીમાં આશરે ૨૫,૦૦૦ જેટલા આવાસો બનાવી લાભાર્થીઓને ફાળવી આપેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ આવાસ ફાળવવા ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે. કર્મચારીની માંગણી અનુસંધાને રાજય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવેલ જે અંગે રાજય સરકારશ્રીએ પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ કર્મચારીઓને યોજનાની માર્ગદર્શિકાને અનુસરીને આવાસ ફાળવવા જણાવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પદાધિકારીઓ દ્વારા આવાસ ફાળવવા નિર્ણય કરવામાં આવેલ છે અને આ માટે તંત્રને સુચના આપવામાં આવેલ છે. આમ, ટર્મ પૂર્ણ થવાના આગલા દિવસે છેલ્લી ઘડીએ પદાધિકારીઓ દ્વારા આ નિર્ણય કરતા રાજકોટ મહાનગર પાલિકાના કર્મચારીઓએ આનંદની લાગણી વ્યકત કરેલ છે.

(3:55 pm IST)