Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

કુવાડવા જી.આઇ.ડી.સી.ના ગોડાઉનમાં કટીંગ વખતે પોલીસ ત્રાટકીઃ ૧૧.૩૭ લાખના દારૂ સાથે બે પકડાયા

પારેવાડાના સુરેશ પડાયા અને કાલેસ મચ્છરની ધરપકડઃ દારૂની ર,૭૪૮ બોટલ, એક ટ્રક, ચાર ફોર વ્હીલ મળી રૂ. ૩પ.૭૪ લાખનો મુદામાલ કબ્જે

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ. વી. સાખરા સહિતનો સ્ટાફ અને ઝડપાયેલા બે શખ્સો તથા દારૂનો જથ્થો અને કબ્જે કરેલી ચાર ફોર વ્હીલ નજરે પડે છે.

રાજકોટ તા. ૧રઃ શહેરના કુવાડવા રોડ પર જી.આઇ.ડી.સી.માં  પ્લોટ નં. ર૧માં આવેલા એપેક્ષ ફુડસ નામના ગોડાઉનમાં કટીંગ વખતે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂ. ૧૧,૩૭,૬૦૦ની કિંમતની દારૂની ર,૭૪૮ બોટલ, ટ્રક અને ચાર ફોર વ્હીલ મળી રૂ. ૩પ.૭૪ લાખના મુદામાલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા જી.આઇ.ડી.સી.માં પ્લોટ નં.-ર૧ માં આવેલા એપેક્ષ ફુડસ નામના ગોડાઉનમાં દારૂનું કટીંગ થતું હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, સંજયભાઇ ચાવડા તથા હીરેનભાઇ સોલંકીને બાતમી મળતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ. વી. સાખરા, હેડ કોન્સ. ધિરેનભાઇ, હિરેનભાઇ, ભગીરથસિંહ, ઉમેશભાઇ, મહેશભાઇ મંઢ, દીપકભાઇ, સંજયભાઇ, યોગીરાજસિંહ, જયપાલસિંહ તથા કિરતસિંહ સહિતે જી.આઇ.ડી.સી.માં પ્લોટ નં. ર૧ માં આવેલા એપેક્ષ ફુડસ નામના ગોડાઉનમાં દરોડો પાડતા ગોડાઉનમાં જી.જે. ૧ એચ.બી. ૧૯ર૦ નંબરની કવાલીસ, જીજે-૧ એચએ-૬૩૩૦ નંબરની એસેન્ટ કાર, જીજે-૩ એફ.કે.-૯૦૦૪ નંબરની અર્ટીગાકાર, જી.જે. ર૩એએફ-૯ર૧ર નંબરની સેવરોલેટ ઓપ્ટ્રા કાર અને ગોડાઉનની બાજુમાં એચ.આર.-પપ-એલ-પ૭૩ર નંબરનો ટ્રમાં તલાશી લેતા વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની રૂ. ૧૧,૩૭,૬૦૦ની કિંમતની ર૭૪૮ બોટલ મળી આવતા પારેવાડા ગામના સુરેશ કાનજીભાઇ પડાયા (ઉ.વ.૩૮) અને મૂળ જાંબુવાના મોદગામ હાલ પારેવાડાનો કાલેસ પાનસીંગ મચ્છર (ઉ.વ. રપ) ને પકડી લઇ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, ચાર ફોર વ્હીલ અને બે મોબાઇલ ફોન મળી રૂ. ૩પ,૭૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દરોડા દરમ્યાન પોલીસને જોઇ નાશી છૂટેલા બુટલેગરોની શોધખોળ આદરી છે. દારૂનો જથ્થો હરિયાણાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને ગોડાઉનમાં અલગ અલગ કારમાં કટીંગ વખતે પોલીસે દરોડો પાડી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. પકડાયેલો સુરેશ પડાયા કડીયા કામ કરે છે અને કલેસ મચ્છર મજૂરી કામ કરે છે. દારૂનો જથ્થો કોણે મંગાવ્યો, ગોડાઉન તે જાણવા અને ટ્રક અને ચાર ફોર વ્હીલ મુકીને નાસી છૂટેલા બુટલેગરોને ઝડપી લેવા ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ટ્રકમાં ચોરખાનામાંથી પણ દારૂનો જથ્થો અને બાકીનો દારૂનો જથ્થો ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. બુટલેગરોએ રાત્રી કર્ફયુ પહેલા જ પોતાના વાહનો ગોડાઉનમાં રાખી દીધા હતા અને વહેલી સવારે પોતપોતાની કારમાં દારૂ ભરીને કર્ફયુ ખુલ્યા બાદ વાહનો લઇને ભાગી જવાનો બુટલેગરોનો પ્લાન હોવાનું જાણવા મળ્યું હતું.

(3:25 pm IST)