Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

આજીની ગંદકી : ૩ કરોડના ખર્ચે ગંદકી સાફ કરવાના પ્લાનને મંજૂરી તો મળી પરંતુ હજી કોઇ નક્કર પગલા નથી

ગંદકી બાબતે ગત વર્ષે યાર્ડના વેપારીઓ, મજુરો, ખેડૂતોએ આંદોલન પણ કર્યા હતા

રાજકોટ તા. ૧૨ : રાજકોટ મહાનગર જેના કાંઠે વસેલું છે તે આજી નદી રિવરફ્રન્ટના નામે અબજો રૂ.ના ખ્વાબ દેખાડનાર મહાપાલિકાના સત્તાધીશો આ નદીમાં ગંદકી અને તેના પગલે સર્જાતી મચ્છરની સમસ્યા દૂર કરી શકયા નથી. માધાપરથી આગળ રીંગરોડ પર અને આજી નદીમાં, માર્કેટયાર્ડ પાસે નદીમાં પાણીની જગ્યાએ જળકુંભિ (લીલ)થી ચાદર પથરાઈ ગયેલી નજરે પડી હતી અને કયુલેકસ પ્રકારના એટલે કે ન્યુસન્સ મચ્છરોના ત્રાસથી ફરિયાદો ઉઠી છે.

નદીમાં છીછરું પાણી, મનપાએ નક્કર કામગીરી નહીં કરતા તેમાં વહેતી ગટર,શૌચાલય સહિતની ગંદકી અને હાલ મિશ્રઋતુમાં ડિસેમ્બરમાં જળકુંભિ માટે અનુકૂળ હવામાનના પગલે આ સમસ્યા સર્જાતી રહે છે તેમ મનપાના જાણકારો જાહેર કરી ચૂકયા છે. કારણ સર્વવિદિત છે પણ નિવારણ થયું નથી.

મનપાએ રૂ.૩ કરોડના જંગી ખર્ચે આ સમસ્યાના ઉકેલ માટે મશીન ખરીદવા ઠરાવ કર્યો છે પરંતુ, તે આવતા હજુ ફેબુ્રઆરી માસ આવી જશે. જો કે આ મશીન આવ્યા પછીય લાખો રૂ.નું આંધણ તો થશે પણ આ સમસ્યા મૂળમાંથી દૂર નહીં થાય.ગંદા પાણી નદીમાં અને ખાબોચિયા,નાલામાં ભરાયેલા રહેતા તેમાં કયુલેકસ મચ્છરો મોટી સંખ્યામાં ઈંડા મુકે છે અને આ મચ્છરો ચામડી સોજી જાય તેવો ડંખ મારતા હોય છે.

ગત વર્ષે આ સમસ્યા મુદ્દે યાર્ડના વેપારીઓ અને મજુરો તથા ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું હતું, રજૂઆતો બાદ ચક્કાજામ કર્યા ત્યારે પોલીસે ગુનો નોંધી આગેવાનોને પકડી લઈને આંદોલન તો અટકાવી દીધું અને આ વર્ષે આંદોલન થયું નથી પરંતુ, પોલીસ કે મનપા કે સરકાર આ સમસ્યાને અટકાવી શકી નથી.

(3:22 pm IST)