Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

શ્રી હરિઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમના વૃધ્ધ હરિભાઇનું કોરોનાની સારવારમાં મૃત્યુ

સિવિલ હોસ્પિટલના સ્ટાફે રોકડ સહિતનો સામાન પરત કર્યો

રાજકોટ, તા. ૧૨ : કોરોનાથી સંક્રમિત અમારા વૃધ્ધાશ્રમના ૭ લોકોને સિવિલ તેમજ કોવીડ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે.  જેમાંના કેટલાક વૃધ્ધ દર્દી સાજા થઈ વૃધ્ધાશ્રમ ખાતે પરત ફર્યા છે. ૭૦ વર્ષના હરિભાઈ હંસરાજભાઈ વેકરીયાનું સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયું હતું. હરિભાઈ  હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે તેમણે પહેરેલી ઘડિયાળ, રૂ. ૧૯૨૦ તેમજ અન્ય સામાન જમા કરાવ્યો હતો. સિવિલના સભ્યોએ આ સામાન તેમજ રોકડ રકમ અમોને પરત કરી તેમની માનવતાની મહેક પ્રસરાવી હોવાનું શ્રી હરિ ઓમ વૃધ્ધાશ્રમના સંચાલક જોશીબાપાએ સિવિલના સ્ટાફનો આભાર માનતા ભીના હૃદયે જણાવ્યું છે.

આ વૃધ્ધાશ્રમ ખાતે હાલ ૯૦ થી વધુ વૃધ્ધો આશરો લઈ રહયા હોવાનું જોશીબાપા જણાવે છે. જે પૈકી ૭ સભ્યોને કોરોના થતા તેમને સિવિલ તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે.

સિવિલ ખાતે સારવારમાં કાર્યરત ડો. ઝાટકીયાએ જણાવ્યું હતું કે, જયારે કોઈ દર્દી અહીં દાખલ થાય ત્યારે તેમનો સામાન એક થેલીમાં અમે લઈ તેના પર તેમનું નામ, એડ્રસ તેમજ કોન્ટેકટ નંબર રાખીયે છીએ. જયારે દર્દી ડિસચાર્જ થાય ત્યારે તેમને તેમનો સામાન અમે પરત કરી દઈએ છીએ. અહીં દર્દીઓની સારવાર સાથોસાથ ભોજન અને અન્ય જરૂરી તમામ પ્રકારની સુવિધા અર્થે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(3:16 pm IST)