Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

શ્રી કોલોનીમાં પટેલ ઉદ્યોગપતિના બંગલોમાં ચોરીઃ ૧૫ દિ' પહેલા કામે રાખેલુ નેપાળી દંપતિ ગાયબ

પરષોત્તમભાઇ કમાણી પરિવારજનો સાથે રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયા છેઃ કેટલી મત્તા ગઇ તે પરત આવ્યે જણાશે : ઘરે દેખભાળ માટે રાખેલા માણસને નેપાળી દંપતિ ઘેની લાડવો ખવડાવી બેભાન કરી મત્તા ઉસેડી ગયું

જ્યાં ચોરી થઇ તે બંગલો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: પર્ણકુટીર ચોકી સામેના ભાગે શ્રી કોલોનીમાં રહેતાં ઉદ્યોગપતિ પરષોત્તમભાઇ વી. કમાણીના બંધ બંગલોમાંથી ચોરી થયાની વાતે તપાસ શરૂ થઇ છે. આ બંગલોમાં પંદર દિવસ પહેલા જ કામે રાખેલુ નેપાળી દંપતિ બંગલોમાં દેખભાળ માટે રખાયેલા ઉદ્યોગપતિના પરિચીતને ઘેની લાડવો ખવડાવી બેભાન કરી હાથફેરો કરી ગયાની વાત સામે આવી છે. જો કે પરિવારજનો રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયા હોઇ ત્યાંથી પરત આવ્યા બાદ કેટલી મત્તા ગઇ અથવા તો ચોરીનો પ્રયાસ થયો? તે સામે આવશે.

જાણવા મળ્યા મુજબ શ્રી કોલોનીમાં   'પરમતત્વ' નામના બંગલોમાં રહેતાં અને શાપરમાં વોટર પમ્પની ફેકટરી ધરાવતાં પરષોત્તમભાઇ વી. કમાણીના નાના ભાઇના પુત્રના લગ્ન રાજસ્થાનના ઉદયપુરના કુંભલગઢ ખાતે યોજાયા હોઇ બધા પરિવારજનો ૧૦મીએ ત્યાં હાજરી આપવા ગયા છે. બંગલામાં પંદર દિવસ પહેલા જ નેપાળી દંપતિને કામકાજ માટે રાખ્યું હતું. આ દંપતિ એકલુ હોઇ બંગલો સાવ રેઢો ન રહે તે માટે પરષોત્તમભાઇએ પોતાની ફેકટરીના એક કર્મચારીને બંગલે સુવાનું કહ્યું હતું. આ વ્યકિતને નેપાળી દંપતિએ ૧૦-૧૧ની રાતે ઘેની પદાર્થ વાળો લાડવો ખવડાવી દેતાં તે બેશુધ્ધ જેવો થઇ ગયો હતો.

જ્યારે જાગીને જોયુ ત્યારે બંગલોમાં બધા રૂમના કબાટોમાં વેરવિખેર જોવા મળતાં અને નેપાળી દંપતિ ઘરમાં ન દેખાતાં તેણે શેઠને જાણ કરી હતી. પરષોત્તમભાઇના નજીકના સગા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અગ્રણી રમેશભાઇ ટીલાળા સીહતના બંગલે પહોંચ્યા હતાં. બંગલામાંથી કેટલી રોકડ, ઘરેણાની ચોરી થઇ તે પરષોત્તમભાઇ અને પરિવારજનો રાજકોટ પરત આવ્યા બાદ જાહેર થશે. મોટી મત્તા ચોરાયાની શકયતા છે.

માલવીયાનગર પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. નેપાળી દંપતિએ હજુ પંદર દિવસ પહેલા જ કામે રખાયું હતું. તે બંગલોના આઉટ હાઉસમાં રહેતું હતું. આ પતિ-પત્નિ ગાયબ હોઇ તેણે જ હાથફેરો કર્યાની શકયતા છે. જો કે વિધીસર ફરિયાદ બાદ વધુ વિગતો સામે આવશે. બંગલોના સીસીટીવી કેમેરાનું ડીવીઆર બંધ હોઇ પોલીસ બીજા કોઇ કેમેરાથી ફુટેજ મેળવવા તજવીજ કરી રહી છે. પીઆઇ કે. એન. ભુકણ, મશરીભાઇ ભેટારીયા, મહેશભાઇ ડાંગર સહિતના પહોંચ્યા હતાં. હાલ કોઇ ફરિયાદ દાખલ થઇ નથી.

(12:52 pm IST)