Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગુજસીટોકના ગુનામાં ભીસ્તીવાડ ગેંગના વધુ ૪ શખ્સનો જેલમાંથી કબ્જો મેળવાયો

રિયાઝ દલ, રિઝવાન દલ, યાસીન ઉર્ફ ભુરો કઇડા, શાહરૂખ ઉર્ફ રાજા જુણાચ ખૂન-લૂંટના ગુનામાં જેલમાં હતાં: કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ

તસ્વીરમાં શાહરૂખ ઉર્ફ રાજા, યાસીન ઉર્ફ ભુરો અને રિયાઝ તથા રિઝવાન દલ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીના ભીસ્તીવાડમાં રહેતાં એઝાઝ ઉર્ફ ટકો અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી સહિત ૧૧ સામે ગુજસીટોક હેઠળ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ છ આરોપીઓને પકડી લેવાયા હતાં. જે ૧૫મી સુધી રિમાન્ડ પર છે. આ શખ્સોની મિલ્કત તથા બીજા શહેરોમાં આચરેલા ગુના અંગેની માહિતીઓ એકઠી કરવામાં આવી રહી છે. એ દરમિયાન ગેંગના વધુ ૪ શખ્સોનો રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

પોલીસે એઝાઝ ઉર્ફ ટકો ખિયાણી તથા મીરજાદ અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી, સરતાજ ઉર્ફ રાજન હમીદભાઇ ખીયાણી, જામનગર રોડ હુડકો કવાર્ટરના મજીદ ઉર્ફ પપ્પુ સુલેમાનભાઇ જુણાચ, ભીસ્તીવાડના ઇમરાન જાનમહમદ મેણુ, રિયાઝ ઇસ્માઇલભાઇ દલ, રિઝવાન ઇસ્માઇલભાઇ દલ, યાસીન ઉર્ફ ભુરો ઓસમાણભાઇ કઇડા, શાહરૂખ ઉર્ફ રાજા અલ્લારખાભાઇ ઉર્ફ બાબુ જૂણેજા, માજીદ રફિકભાઇ ભાણુ અને મુસ્તુફા ઉર્ફ હકુભા ખીયાણી સામે ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ (ગુજસીટોક) એકટ-૨૦૧૫ની કલમ ૩ (૧) (૧), ૩ (૧) (૨), ૩ (૨) તથા કલમ ૩ (૪) મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ટોળકી એકબીજા સાથે સંગઠન રચી ખૂન, મહાવ્યથા-ખૂનની કોશિષ, ગેરકાયદે હથીયારોનો ઉપયોગ, એટ્રોસીટી, ધાડ, ધમકીઓ, જૂગાર, રાયોટીંગ, જીવલણે હુમલા સહિતના ગુનાઓ આચરી પ્રજાજનોમાં ભય ફેલાવી પોતાની ધાક ઉભી કરવાના હેતુથી નેટવર્ક ઉભુ કરી સતત ગુનાખોરી આચરતી હોવાનો આરોપ મુકાયો હતો.

 ૧૧ શખ્સોની ટોળકીનો સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો છે, જે હાલ ફરાર છે. ૬ આરોપી સરતાજ ઉર્ફ રાજન, માજીદ ઉર્ફ પપ્પુ, ઇમરાન મેણુ, મિરજાદ ખીયાણી,  મુસ્તુફા ખીયાણી અને માજીદ ભાણુ રિમાન્ડ પર હોઇ બાકીના ૪ આરોપી રિયાઝ ઇસ્માઇલભાઇ દલ, રિઝવાન ઇસ્માઇલભાઇ દલ, યાસીન ઉર્ફ ભુરો ઓસમાણભાઇ કઇડા અને શાહરૂખ ઉર્ફ રાજા ઓસમાણભાઇ ઉર્ફ બાબુભાઇ જુણાચનો કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવી જેલમાંથી કબ્જો મેળવાયો છે. આ શખ્સો ખૂન-લૂંટના ગુનામાં જેલમાં છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ.એલ. ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ, પીએસઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા, અક્ષયભાઇ ડાંગર, હરેશભાઇ કુકડીયા સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(12:52 pm IST)