Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ત્રંબાના વડાળીમાં રાતે અઢી વાગ્યે પશુપાલકની નજર સામે બે સિંહે વાડામાંથી ગાયને ઢસડી જઇ મારણ કર્યુ

એક નીલગાય અને જંગલી ભૂંડનું પણ મારણઃ ગભરાયેલા લવજીભાઇ ગોવિંદભાઇ પરિવારજનો સાથે વીડી છોડી ગયા

રાજકોટઃ પખવાડીયાથી ત્રંબા, હલેન્ડા, ભાયાસર, વડાળી પંથકમાં સિંહોએ ધામા નાંખ્યા છે. આ સિંહ-સિંહણ સતત અલગ-અલગ વાડીઓમાં, વીડીઓમાં રોજબરોજ મારણ કરી રહ્યા છે. હાલમાં વડાળી નજીક સુરપાલસિંહ જાડેજાની વીડી પાસે સિંહોએ મુકામ કર્યુ છે. ત્રંબાથી સાત કિ.મી. આગળ ભાયાસર રોડ વડાળીમાં આવેલી આ વીડીમાં હાલ હલેન્ડા-ડુંગરપુરના પશુપાલકન લવજીભાઇ ગોવિંદભાઇ તેમના પરિવાર સાથે રહેતાં હતાં. રાત્રીના અઢી વાગ્યે બે સિંહો તેમના વાડામાંથી ગાયને ખેંચી ગયા હતાં અને મારણ કર્યુ હતું. લવજીભાઇ સહિતે ગાયને છોડાવવા હાકલા પડકારા કર્યા હતાં. પણ બે સિંહ ગાયને ખેંચી ગયા હતાં. આ ઉપરાંત એક નિલગાય અને એક જંગલી ભૂંડનું પણ મારણ કર્યુ હતું. લવજીભાઇના કહેવા મુજબ જે ગાયનું મોત થયું તેની કિંમત પચાસ હજાર જેવી હતી. હાલમાં તેઓ ગભરાઇ ગયા હોઇ પરિવાર સાથે આ વિડી છોડીને પોતાના ગામ જતાં રહ્યા છે. જ્યાં મારણ થયું તે સ્થળની, મારણ થયેલા પશુઓની તસ્વીરો ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી. ગત રાતે તો સિંહોને જોવા લોકો પહોંચ્યા હોઇ ધમાલ સર્જાતા પોલીસને દોડવું પડ્યું હતું. સિંહોને વન વિભાગની ટીમો જાતે કોઇ દિશામાં વાળવા પ્રયાસ કરતી નથી. સિંહો-સિંહણ જાતે જ પોતાની રીતે જ્યાં જવું હશે ત્યાં જતાં રહેશે. માનવભક્ષી ન હોઇ જેથી તેને પકડી શકાય તેમ નથી. હાલ તો સિંહોને વડાળી હલેન્ડાની વીડી વધુ પસંદ પડી ગઇ હોઇ અહિ જ મુકામ કર્યુ છે.

(12:51 pm IST)