Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

લ્યો બોલો, ચાલુ કર્ફયુમાં કો'ક આવું કરી ગયું...યાજ્ઞિક રોડ પર બે કચરા પેટી ભડકે બાળી ગયું

કોઇ ટીખળીઓએ છાસવાલા દૂકાન સામે અને ડો. રાજેન્દ્ર ત્રિવેદીની હોસ્પિટલ નજીક કચરાપેટી સળગાવી દીધી

રાજકોટ તા. ૧૨: શહેરમાં અગાઉ અનેક વખત કેટલાક ટીખળખોરો વિકૃત આનંદ મેળવવા લોકોના ઘર બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ ફોડી ગયાના કે પછી વાહનો સળગાવી ગયાના બનાવો બની ચુકયા છે. અનેક વખત આવી ઘટનાઓમાં પોલીસે એવા તત્વોને પકડીને પદાર્થપાઠ પણ ભણાવ્યો છે. ત્યાંહવે કોઇ ગત રાતે ચાલુ કર્ફયુમાં યાજ્ઞિક રોડ પર બે સ્થળે આર.એમ.સી.એ મુકેલી કચરાપેટીને સળગાવી ગયું હતું. ચાલુ કર્ફયુએ કોણ આ રીતે કરી ગયું? શા માટે કચરાપેટી બાળી નાંખી હશે? તેવા સવાલો સર્જાયા છે.

જાણવા મળ્યા મુજબ રાત્રીના કર્ફયુના સમયમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલી છાસવાલા નામની દૂકાનની સામે કચરાપેટી ભડકે બળી હતી. આ પછી ત્યાંથી આગળ માલવીયા ચોક તરફ જતાં ડો. રાજેન્દ્ર ત્રિવેદી હોસ્પિટલ બહાર આવેલી આર.એમ.સી.ની કચરાપેટીને પણ કોઇએ સળગાવી નાંખી હતી. તસ્વીરમાં સળગતી કચરાપેટીનું દ્રશ્ય જોઇ શકાય છે. તેમજ  સળગી ગયા પછીની કચરાપેટીની હાલત પણ બાજુની તસ્વીરોમાં જોઇ શકાય છે. કર્ફયુનું કડક પાલન કરાવતી પોલીસ દરરોજ કારણ વગર નીકળતાં શખ્સોને પકડી લે છે. ત્યારે યાજ્ઞિક રોડ પર રાત્રે ચાલુ કર્ફયુમાં કોણ આ કચરાપેટીને ભડકે બાળી ગયું? તે સવાલ ઉભો થયો છે. કદાચ અકસ્માતે કચરાપેટી સળગી હોય તો એક જ જગ્યાએ સળગે, બે અલગ-અલગ જગ્યાએ આગ કઇ રીતે લાગે? સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ કરી સંબંધીતો આ કચરાપેટીઓને નિશાન બનાવનારાને શોધી કાઢે તે જરૂરી છે.

(12:50 pm IST)