Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

RKCના નિવૃત પ્રિન્સિપાલ વિનોદ ઠકકરની ચિર વિદાય

હૈદરાબાદ મુકામે અંતિમ શ્વાસ લીધાઃ બ્લડ કેન્સર સામેનો જંગ હાર્યાઃ વિશાળ ચાહક વર્ગમાં શોકનું મોજું: ૧૯૮૦થી રાજકુમાર કોલેજ સાથે જાડાયા હતા, તે અગાઉ બાલાચડી સૈનિક સ્કૂલમાં શિક્ષક હતાઃ તેઓને પ્રવાસ અને પ્રકૃતિ સાથે ગજબનો લગાવ હતો

રાજકોટઃ  રાજકુમાર કોલેજના નિવૃત પ્રિન્સિપાલ શ્રી વિનોદ ઠકકરનું ૧૦ ડિસેમ્બરના રોજ હૈદરાબાદ મુકામે દુઃખદ અવસાન થયું છે.તેમને ભાગ્યે જ જાવા મળતા તેવા મલ્ટીપલ માયલોમા બ્લડ કેન્સરનું નિદાન થયું હતું. જેની સામેનો જંગ તેઓ હાર્યા હતા.અને રાત્રે ૯-૩૦ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

૧૯૮૦ ની સાલમાં તેઓ રાજકુમાર કોલેજમાં જાડાયા હતા.ત્યાર પહેલા તેઓ સૈનિક સ્કૂલ બાલાચડીમાં ફરજ બજાવતા હતા. રાજકુમાર કોલેજમાં તેઓ મારા બાયોલોજી ટીચર હતા.તે દરમિયાનની મારી યાદગાર સ્મૃતિ મુજબ અમારા કલાસને તેઓ જૂનાગઢના પ્રવાસે લઇ ગયા હતા.જયાં અમે ઍગ્રિકલચર યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી.બાદમાં ગિરનાર દર્શન માટે ગયા હતા.

જયાં ગરવા ગિરનારની તળેટીમાં આવેલી વિશાળ વનરાજી તથા વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો અભ્યાસ કર્યો હતો.બાદમાં કાળવા ચોકમાં આવેલી મુરલીધર લોજમાં ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો.હાલમાં આ રેસ્ટોરન્ટ ત્યાં છે કે કેમ તેની ખબર નથી.બાદમાં તેઓ અમારી કોલેજના ૧૪ માં પ્રિન્સીપાલ બન્યા હતા.ઍ ૨૦૧૩ ની સાલમાં નિવૃત થયા હતા.

કમનસીબે ૨૦૧૭ ની સાલમાં તેમને માયલોમા બ્લડ કેન્સરનું નિદાન થયું હતું.જેની સામેનો જંગ તેઓ હાર્યા હતા.તેઓ તેમની પાછળ તેમના પત્ની (નિવૃત હોમ સાયન્સ અધ્યાપક મહિલા કોલેજ રાજકોટ), પુત્રો સિદ્ઘાર્થ તથા અંશ, પુત્રવધૂઓ તથા ૫ પૌત્રો પૌત્રીઓ સહિતના પરિવાર તેમજ વિશાળ ચાહક વર્ગને વિલાપ કરતા છોડી ગયા છે.

તેમને પ્રવાસ તથા પ્રકૃતિ સાથે ગજબનો લગાવ હતો.તેઓ ખુબ માયાળુ અને પરગજુ સ્વભાવના હતા.તથા ઘણા લોકોને મદદરૂપ થયા હતા.ભલે તેઓ ગુજરાતી નહોતા પણ રાજકોટને તેમણે પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું.

જયારે તેમના માતૃશ્રીનુ અવસાન થયું હતું ત્યારે તેમણે તેઓના સોનાના દાગીના સહિતની વસ્તુઓ તેમની સેવા કરનાર ચાકરને આપી દીધી હતી.તેમના પિતાજીના અવસાન વખતે તેમના ખાતામાં રહેલી રકમ પણ ઉપાડી લેવાને બદલે કે ખાતું બંધ કરાવવાને બદલે બેન્કને અર્પણ કરી દીધી હતી.

મૃત્યુ બાદ પણ તેઓ પોતાના ચક્ષુઓનું દાન કરી બીજાને દ્રષ્ટિ આપતા ગયા છે.અને ખરા અર્થમાં બાયોલોજી ટીચર પુરવાર થયા છે.આમ તેઓ માત્ર વીલ નહીં દ્રષ્ટિ પણ આપતા ગયા છે.

(12:50 pm IST)