Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રજવાડાના વિલીનીકરણનું મ્યુઝીયમ કેવડીયા કોલોનીની શોભા વધારશે : માંધાતાસિંહજી

રાજકોટ તા. ૧૨ : રાજય સરકારે કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટિના પરિસરમાં રજવાડાંના વિલીનીકરણના ઇતિહાસનું એક મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે એને રાજકોટના ઠાકોરસાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજાએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના રજવાડાંઓ વતી ઉમળકાભેર આવકારયો છે.

એમણે કહ્યું છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આ જાહેરાતને હું આદર સાથે આવકારું છું. આમા રાષ્ટ્રીય ઐકયની ભાવના વિશ્વ સમક્ષ ઉજાગર થશે.

ભારત દેશ ૧૯૪૭ થી આઝાદ થયો ત્યાર પછી દેશી રજવાડાંઓના ઐકયીકરણ માટે દેશના પ્રથમ ગૃહપ્રધાન, નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઇ પટેલે જે સઘન સફળ પ્રયાસ કર્યાએ સમગ્ર ઘટનાક્રમને આવરી લઇને તૈયાર થઇ રહેલ આ સંગ્રહાલય સ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રવાસની શોભામાં વધારે અભિવૃધ્ધિ કરશે.

આ મ્યુઝિયમમાં રજવાડાંઓએ સરદાર પટેલની ઉપસ્થિતિમાં કરેલા કરારના દસ્તાવેજ, એ સમયની તસવીરો રાખવામાં આવશે તે ઉપરાંત રાજવીઓના શસ્ત્ર સરંજામ,  એમના મહેલો કે કિલ્લાની ઝલક પ્રદર્શિત કરવામાં આવશે. આધુનિક ૩-ડી મેપિંગ પ્રોજેકશન, ઓગમેન્ટેડ રિઆલિટી તથા ઓડિયો- વીડિયો કન્ટ્રોલ લાઇટ સિસ્ટમથી આ સમગ્ર યોજનાને આધુનિક-અદ્યતન સ્વરુપ અપાશે. દરેક રાજયની ઐતિહાસિક વિગતોને અલગ અલગ વિભાગ એના સંદર્ભો સાથે પ્રદર્શિત કરાશે. એવું આજે જાહેર થયું છે. જે ખરેખર આવકારને પાત્ર હોવાનું માંધાતાસિંહજીએ જણાવેલ છે.

(11:24 am IST)