Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

વોર્ડ નં. ર અને ૩ માં અનેક સોસાયટીઓ કોરોના સંક્રમિત

રેસકોર્સ પાર્ક, જસાણી પાર્ક, મારૂતિ પાર્ક, ગીત ગુર્જરીમાં ડોર ટુ ડોર સર્વે કરી કોરોનાં સંક્રમણ અટકાવવું જરૂરીઃ કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી -અગ્રણી રાજદિપસિંહની માંગ

રાજકોટ તા. ૧૧ :.. શહેરનાં વોર્ડ નં. ર અને ૩ ની અનેક સોસાયટીઓમાં કોરોનાં સંક્રમણ થતુ હોઇ આ વિસ્તારો સંવેદનશીલ બની રહ્યા છે ત્યારે આવા સંવેદનશીલ વિસ્તારોમાં કોરોનાં અંગે ડોર ટુ રોડ સર્વે કરાવવા કોંગ્રેસનાં કોર્પોરેટર અતુલ રાજાણીએ માંગ ઉઠાવી છે.

આ અંગે મહાપાલિકાના વોર્ડ નં. ૩ ના કોંગી કોર્પોરેટર અને વિપક્ષના દંડક અતુલ રાજાણી તેમજ કોંગી અગ્રણી ડો. રાજદીપસિંહ જાડેજાએ મ્યુનિસીપલ કમિશનર ઉદિત અગ્રવાલને વિસ્તૃત પત્ર પાઠવી વોર્ડ નં. ર ના એરપોર્ટ રોડ પર આવેલા વિસ્તારો જેમાં રેસકોર્સ પાર્ક, જસાણી પાર્ક, ગીત ગુર્જરી સોસાયટી અને મારૂતીનગરમાં કોરોનાના કેસ વધુ માત્રામાં મળ્યા હોય તબકકાવાર આ તમામ સોસાયટીઓ એક-એક વખત માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થઇ ચૂકી હોય ત્યાં આગળ ડોર ટુ ડોર કોરોના સર્વેલન્સ કરવા માગણી કરી છે.

મ્યુનિ. કમિશનરને પાઠવેલા પત્રમાં અતુલ રાજાણી અને ડો. રાજદીપસિંહ જાડેજાએ ઉમેર્યુ છે કે, વોર્ડ નં. ર ની ઉપરોકત સોસાયટીઓમાંથી હવે વોર્ડ નં. ૩ ના વિસ્તારોમાં કોરોના ફેલાય તે પૂર્વે વોર્ડ નં. ર ની સોસાયટીઓમાં વધુ એક વખત ડોર ટુ ડોર સર્વે કરી નાગરીકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે તેમજ સુપર સ્પ્રેડર્સનો પણ સર્વે થાય તેવી માગણી છે. વોર્ડ નં. ર અને વોર્ડ નં. ૩ બન્ને બાજુ - બાજુમાં આવેલા હોય  વોર્ડ નં. ર માંથી વોર્ડ નં. ૩ માં કોરોના પ્રસરે  તેવી ભીતિ નાગરીકો અનુભવી રહ્યા છે. અગાઉ જસાણી પાર્ક, ગીત ગુર્જરી સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાઇ હતી. તાજેતરમાં રેસકોર્સ પાર્ક અને મારૂતીનગરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. ત્યારે વોર્ડ નં. ર ને તદન લાગુ એવા વોર્ડ નં. ૩ ના વિસ્તારના રહીશોમાં  કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની દહેશત પ્રસરી ગઇ હોય તાકીદે યોગ્ય કરવા માંગણી છે.

(3:38 pm IST)