Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજકોટ : રાત્રિ કર્ફ્યુ દરમિયાન રખડતા લબરમૂછિયા ઝડપાયા

વાહન ચેક કરતા ડેકીમાંથી પિસ્ટલ મળી આવી : રાજકોટ સહિત રાજ્યભરના ચાર મહાનગરોમાં કોરોના વધવાના પરિણામે કર્ફ્યુની મુદ્દત લંબાવવામાં આવી છે

રાજકોટ,તા.૧૧ : હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ વધવાના કારણે રાત્રિ કરફ્યુ ની મુદ્દત લંબાવવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા રાત્રિ કરફ્યુ દરમિયાન રાત્રિ કરફ્યુનો ભંગ કરનારા ત્રણ યુવાનોને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડયા છે. સમગ્ર મામલે બી ડિવિઝન ના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઔસુરાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરમાં રાત્રિ કરફ્યુની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ અનુસાર રાત્રીના ૯ વાગ્યાથી લઈ સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ ની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બી ડિવિઝન પોલીસ રાજમાર્ગો પર ફરજ બજાવતી હોય છે.

          ત્યારે બી ડિવિઝન પોલીસનો સ્ટાફ રાત્રિ કરફ્યુ દરમિયાન પેટ્રોલિંગ માં હતો. ત્યારે સંતકબીર રોડના નાલા પાસે ત્રણ અજાણ્યા સખશો એક્ટિવા લઈને નીકળેલા હતા. જેઓ બી ડિવિઝન પોલીસ ને જોઈ જતા તેઓએ એક્ટિવા હંકારી મૂક્યું હતું. જો કે બી ડિવિઝન પોલીસ દ્વારા તેમનો પીછો કરી ત્રણેય યુવાનોને ગોવિંદ બાગ શાક માર્કેટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા દેશી બનાવટની પિસ્ટલ અને એક્ટિવા સહિત કુલ ૬૫હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો સાથે જ ચાર આરોપીઓ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઘટના સ્થળ પર થી ઝડપાયેલા ત્રણેય યુવાનોની ધરપકડ કરી છે. જ્યારે કે અન્ય એક આરોપી દેવાભાઇ રબારીની ધરપકડ બાકી છે જે અંતર્ગત તેની શોધખોળ પણ હાલ શરૂ છે. ત્રણેય યુવાનોને હથિયાર અંગે પૂછવામાં આવતા તેમણે હથિયાર સુરેન્દ્રનગર જિલ્લાના દેવાભાઇ રબારી નું હોવાનું જણાવ્યું છે. ત્યારે હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી દેવાભાઇ રબારી ની શોધખોળ માટે જુદી જુદી ટીમ બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(7:31 pm IST)