Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે કૌભાંડોનું ઘરઃ ઇસુદાન ગઢવી

શિક્ષણ ક્ષેત્રને ભ્રષ્ટાચાર મુકત કરવા આમ આદમી પાર્ટી લડાયક યુવાનોને સેનેટની ચુંટણી લડાવશેઃ ડ્રગ્સના મામલામાં પણ શાસક પક્ષના કોઇ નેતા સંડોવાયા હોવાની વ્યકત કરી આશંકાઃ પત્રકાર પરીષદમાં તડાફડી

રાજકોટ, તા., ૧૨: આમ આદમી પ્રદેશ અગ્રણી અને લોકપ્રિય લડાયક આગેવાન ઇસુદાનભાઇ ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા જણાવ્યું હતું કે અમારા (આપ)ના ધ્યાન પર આવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે શિક્ષણનું મંદિર ગણાય અને તેને વર્તમાન શાસક ભાજપ અને સેટીંગની રાજનીતી કરતો વિરોધ પક્ષ કોંગ્રેસની મીલી ભગતથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજકારણનો અખાડો બનાવી દીધો છે. આવા કૌભાંડોનું ઘર બની ગઇ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

શિક્ષણ ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાંથી યુનિવર્સિટીને બહાર કાઢવા આમ આદમી પાર્ટી ઇમાનદાર, નિડર અને લડાયક યુવાનોને યુનિવર્સિટીની સેનેટની ચુંટણી લડાવશે અને ભાજપ-કોંગ્રેસની મીલી ભગતને પડકારશે.

ઇસુદાનભાઇએ આક્રોશભેર જણાવ્યું હતું કે એક સમયે (એ) ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી અત્યારે (સી) ગ્રેડની કેટેગરીમાં ભ્રષ્ટ અને નીતી વિહોણા શાસક ભાજપ અને સેટીંગની રાજનીતી કરતી કોંગ્રેસના પાપે ધકેલાઇ ગઇ છે. યુનિવર્સિટીના કૌભાંડ તેમજ વિદ્યાર્થીનીઓના શોષણની ઘટના છાશવારે મીડીયામાં આવે છે તે સાંભળી શરમથી માથુ ઝુકી જવુ જોઇએ તેના બદલે તેમાં ચુંટાયેલાસેનેટ કે સિન્ડીકેટ મેમ્બર પોતાના વ્યકિતગત લાભ પ્રાપ્ત કરવામાં લાગ્યા હોય છે. મોટા ભાગના સીન્ડીકેટ મેમ્બરોને પોતાની કોલેજો છે તેમાં વર્ગ મંજુર કરાવવા, વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા સિવાય કોઇ જ દાખલારૂપ કામ કર્યુ હોય તેવુ લાગતુ નથી.

આગામી સેનેટ ચૂંટણી આમ આદમી પાર્ટીએ લડવા નિર્ધાર કર્યો છે ત્યારે ઇશુદાનભાઇ ગઢવીએ સૌરાષ્ટ્રના એજયુકેટેડ લોકોને પણ આહવન કર્યુ છે. કોઇપણ ફેકેલ્ટીમાં સ્નાતક હોય અને આગામી સેનેટના મતદાર તરીકે નોંધણી કરાવવા તૈયારી દર્શાવાશે. તો આપના કાર્યકતા ઘરે આવીને ડોકયુમેન્ટ લઇ જશે અને નામ મતદાર યાદીમાં ઉમેરાવી દેશે.

સાથો સાથ આ તકે ઇશુદાને આક્રોશભેર જણાવ્યું હતું કે ડ્રગ્સ ખુલ્લે આમ વેંચાય છે તે મામલામાં પણ શાસક પક્ષના કોઇ નેતા પાકિસ્તાનના સંપર્કમાં હોય તો જ ડ્રગ્સ અહીં સુધી પહોંચી શકે. આ બાબતે સીટની રચના કરી તપાસ થવી જોઇએ.

રાજકારણનો અખાડો બની ગયેલ પવિત્ર શિક્ષણધામની ગરીમાને પુનઃ સ્થાપિત કરવા ઇચ્છતા વ્યકિતઓ આગામી સેનેટ ચૂંટણીના ઇન્ચાર્જ રાજભા ઝાલાનો મો. ૯૮રપ૪ ૦૬૬૮૬ તથા ૯૩૧૩૧ ૯ર૩ર૩ સંપર્ક કરે. તે બાબત રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલે જણાવે. તસ્વીરમાં પત્રકાર પરિષદ સંબોધતા ઇસુદાન ગઢવી, અજીતભાઇ લોખીલ, રાજભા ઝાલા, શિવલાલ પટેલ વગેરે નજરે પડે છે.

(3:59 pm IST)