Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ઇમ્પિરિયલ પેલેસમાં જૂગારધામ માટે રૂમ આપનાર મેનેજરની ધરપકડઃ અગાઉ પણ વિપુલે ત્રણેકવાર રૂમ બૂક કરાવ્યો'તો

એ વખતે પણ આઇડી સોહિલનું આપ્યું હતું: ગઇકાલે રિસેપ્શનિસ્ટની ધરપકડ થઇ હતી

રાજકોટ તા. ૧૨: શહેરના ડો. યાજ્ઞિક રોડ પરની ધ ઇમ્પિરીયલ પેલેસ હોટલના છઠ્ઠા માળે સ્યુટ રૂમમાં જૂગારધામ ચાલતું  જૂગારધામ ક્રાઇમ બ્રાંચે ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે સુત્રધાર રાતૈયાના જમીન મકાનના ધંધાર્થી તથા મોરબી, મેટોડા, રાજકોટથી રમવા આવેલા વેપારીઓ, ધંધાર્થીઓ મળી ૧૦ને પકડી લઇ રોકડા દસ લાખ સહિત પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જૂગારધામ માટે રૂમની વ્યવસ્થા મેનેજરે કરી આપી હોવાનું ખુલ્યું હતું. દરોડા વખતે મેનેજર હાજર ન હોઇ તેની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. અગાઉ પણ વિપુલ બેચરાએ ત્રણેક વખત સોહિલના આઇડી પર રૂમ બૂક કરાવ્યો હોવાનું મેનેજરની પુછતાછમાં બહાર આવ્યું છે.

પોલીસે દસ શખ્સોને પકડ્યા બાદ તપાસ થતાં મેનેજરે જ રૂમની વ્યવસ્થા કરી આપ્યાનું સામે આવ્યું હતું. મેનેજરના કહેવાથી જ રિસેપ્શનિસ્ટ મહિલા કર્મચારીએ એક જ આઇડી પ્રૂફ કે જે રમવા આવેલા પૈકી કોઇનું પણ નહોતું તેના પર દસ જણાને એન્ટ્રી આપી દીધી હોઇ આ બંનેને પણ આરોપીમાં સામેલ કરાયા હતાં. ગઇકાલે રિસેપ્શનિસ્ટ પ્રીતિ રામગુલાબ પટેલની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાંચે અમદાવાદ ભાગી ગયેલા મેનેજરને પણ આજે તે રાજકોટ આવ્યાની માહિતીને આધારે પકડી લીધો છે.

 ક્રાઇમ બ્રાંચે રૂમ નં. ૬૦૫માં બાતમીને આધારે દરોડો પાડી લોધીકાના રાતૈયાના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા સંચાલિત જૂગારધામ પકડી લઇ પત્તાપ્રેમીઓની મજા બગાડી નાંખી હતી. રૂ. ૧૦.૨૪ લાખની રોકડ, બે કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૫,૧૭,૦૦૦નની મત્તા પોલીસે કબ્જે કરી હતી. પકડાયેલા દસેય જણાએ રાત ડીસીબી પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીતાવી હતી. પોલીસે રૂમમાંથી ૧૦ જણાને પકડી લઇ જૂગારધારા હેઠળ કેસ નોંધી કાર્યવાહી કરી હતી. હોટેલનો રૂમ જૂગાર રમવા માટે મેનેજર મારફત મેળવ્યાની સંચાલકે કબુલાત આપી હોઇ તેમજ રિસેપ્શનિસ્ટ પ્રીતિ રામગુલાબ પટેલે પણ આઇડી પ્રૂફની ચકાસણી વગર જ રૂમ આપી દીધો હોઇ તેની સામે પણ ગુનો નોંધાયો હતો. પ્રીતિ પટેલની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી.

તે મુળ યુપીના અલ્હાબાદની વતની છે અને હાલ જાગનાથપ્લોટ-૨૫માં રૂમ રાખીન રહે છે. તેણે મેનેજરના કહેવાથી રૂમ આપ્યાનું રટણ કર્યુ હતું. મેનેજર કુરીયા કોશ જોન (ઉ.વ.૫૦-રહે. અસ્મી રૂમ નં. ૬, ઇમ્પિરીયલ પેલેસ હોટેલ પાછળ રાજકોટ) આજે અમદાવાદથી રાજકોટ આવ્યાની માહિતી પરથી તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાથમિક પુછતાછમાં મેનેજરે કબુલ્યું છે કે તે ૨૦૧૮થી ઇમ્પિરિયલ પેલેસ હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. અગાઉ સોહિલના આઇડી પર વિપુલ બેચરાએ બેથી ત્રણ વખત રૂમ બૂક કરાવ્યો હતો. જૂગાર રમતાં જે દસને પોલીસે પકડયા હતાં. તેમાં વિપુલ બેચરા પણ સામેલ હતો. આ રૂમ જૂગાર રમવા માટે જ બૂક થયો હોવાનું સમજાઇ રહ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવીની ટીમના પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, અશોકભાઇ કલાલ, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા, મહેશભાઇ મંઢ, ઉમેશભાઇ ચાવડા, હિરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર અને જગદીશભાઇ  વાંક વધુ તપાસ કરે છે.

(3:08 pm IST)