Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ઇદે મીલાદનું જુલુસ નહીં નિકળેઃ જુણેજા

રેસકોર્ષ આમનિયાઝ, ધર્મસભાના કાર્યક્રમો મોકુફઃ ઐતિહાસિક નિર્ણય : પોતપોતાના વિસ્તારોમાં સાદગીભેર ઉજવણી થશેઃ મુસ્લીમ સમાજની મળેલ બેઠક

રાજકોટ, તા., ૧રઃ ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા અને ભાઇચારાનો સંદેશો આપનાર હઝરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ એટલે ઇદ-એ-મિલાદની પ્રતિ વર્ષ રાજકોટમાં અલ્હાઝ યુસુફભાઇ જુણેજાના માર્ગદર્શન હેઠળ યૌમુન્નબી કમીટી તેમજ મુસ્લીમ સમાજ દ્વારા શાનો-શોકતથી ઉજવણી કરવામાં આવે છે.

ગત શનીવારે જંગલેશ્વર વિસ્તારમાં આવેલ હઝરત, હસનશાપીર દરગાહ ખાતે યોજાયેલ મુસ્લીમ સમાજની મીટીંગમાં સર્વાનુમતે કોરોનાની ત્રીજી લહેરથી બચવા શહેરના રાજમાર્ગો પર ઝુલુશ નહી ફેરવવાનો અને રેસકોર્ષ પરના તમામ કાર્યક્રમો રદ કરવાનો મુસ્લીમ સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવેલ છે.

તેના બદલે દરેક મુસ્લીમ એરીયામાં, શેરી મહોલ્લામાં, મસ્જીદોમાં, પોતાના ઘરોમાં, તાજદારે મદીના આકાએ નામદાર હુઝુર મુહંમદ પયગમ્બર સાહબે (સલ્લલ્લાહો અલૈહે વસલ્લમ)ની યાદમાં કુઆર્ન ખ્વાની, દરૂદોશરીફ, નાતશરીફ, સલાતોસલામ, ફાતેહાખ્વાની કરી તેઓને ખીરાજે અકિદત પેશ કરવામાં આવશે. ઇદે મિલાદની મોટી રાત આગામી તા.૧૮-૧૦-ર૧ સોમવાર રાત્રીના ઉજવાશે તે માટે મસ્જીદો આખી રાત ઇબાદત માટે ખુલ્લી રાખવામાં આવશે.  ઇદે મિલાદનો દિવસ તા.૧૯-૧૦-ર૧ મંગળવારે હોઇ એ દિવસના પોત પોતાના શેરી, મહોલ્લામાં ભીડભાડ ન થાય તે માટે સરકારની ગાઇડ લાઇન મુજબ ઉજવણી કરી શકાશે અને આ માટે પ્રશાસનની મંજુરી લેવાની રહેશે તેમ પણ જાહેર કરાયું છે.  રાજકોટની યૌમુન્નબી કમીટીના પ્રેસીડેન્ટ અલ્હાજ યુસુફભાઇ જુણેજાએ કોરોના વાયરસની મહામારીના કારણે સાવચેતીના પગલારૂપે ઇદ-એ-મિલાદનો પર્વ સાદગીપુર્ણ રીતે પોતાના શેરી, મહોલ્લા, મસ્જીદ, દરગાહ અને ઘેર મનાવવા વિનંતી કરી છે. આ કોરોના મહામારી સામેની લડતમાં માસ્ક, સેનીટાઇઝરનું વિતરણ કરવા પણ તેઓએ અપીલ કરેલ છે.

તેઓએ વિશેષમાં જણાવેલ છે કે સમગ્ર વિશ્વને પ્રેમ શાંતિ અમન અને ભાઇચારાનો સંદેશ આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગંબર જગતમાં માનવતાના ઉચ્ચ મુલ્યોનું સિંચન કરી વિશ્વ બંધુત્વની ભાવના જગાડનાર નબી સાહેબ કે જેમણે વતનની મહોબ્બતને ઇમાનનો હિસ્સો કહેલ છે. એવા રહેમતુલ્લીલ આલમીનનો ૧ર રબી ઉલ અવ્વલ, રર એપ્રિલ, પ૭૧ના રોજ જન્મ થયેલ. દુનિયામાં ઉંચ-નીચ, કાળા-ગોરાના ભેદભાવને મીટાવી ભાઇચારાનો સબ આપનાર આપ (સલ્લલ્લાહો અલૈહૈ વસલ્લ્મ) કે જેમણે અજ્ઞાનતાના અંધકારમાં માનવ જાતના દિલોમાં જ્ઞાનના દીપ પ્રજવલીત કરનાર એવા નબી સાહેબના વિલાદત પર્વની ખુશીમાં દેમાં અમન, શાંતિ, ભાઇચારો જળવાઇ રહે. કોરોના સંપુર્ણ નાશ પામે, લોકોની સુખાકારી જળવાઇ રહે અને આપણો મહાન ભારત દેશ વિશ્વ ગુરૂ બને તે માટે દુઆએ ખૈર કરવા તથા દર વર્ષની જેમ યૌમુન્નબી કમીટી દ્વારા જે સેવાકાર્યો કરવામાં આવે છે. તેને અનુસરી અબોલ પશુઓને ઘાસચારો નાખવા તેમજ વૃધ્ધાશ્રમોમાં વૃધ્ધો અને જરૂરીયાતમંદોને ભોજન પુરૂ પાડવા તથા સિવિલ હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ કરવા. સાથોસાથ આ પર્વ પ્રસંગે મુસ્લીમ બિરાદરોને પોતપોતાના શેરી મહોલ્લા અને ઘરોમાં રહી કુઆર્ન ખ્વાની, નાત ખ્વાની તથા સલ્લાતો સલામ પેશ કરવા હાજી યુસુફભાઇ જુણેજા દ્વારા એક યાદીના અંતમાં ગુજારીશ કરવામાં આવી છે.

(4:08 pm IST)