Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

યુનિવર્સિટીના દેરાણી - જેઠાણી ફરી બાખડ્યા : ફાયનાન્સ કમીટીમાં ૩૦ મિનિટ બઘડાટી બોલી

૧૯ નાણાકીય બાબતોની ચર્ચાને બદલે બંનેએ સામસામે આક્ષેપબાજી કરતા ઉપસ્થિત સૌ ચોંકી ઉઠ્યા

રાજકોટ, તા. ૧૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહુ ગાજેલા દેરાણી - જેઠાણીના ઝઘડાએ ગઈકાલે પણ વરવુ અને લાંબુ સ્વરૂપ ધારણ કરતા ઉપસ્થિત સૌ ચોંકી ઉઠ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાયનાન્સ કમીટીની બેઠક મળી હતી. જેમાં કુલપતિ ડો.નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી સભ્યો ડો. ભાવિન કોઠારી અને ડો.ભરત રામાનુજ, રજીસ્ટાર રમેશ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા.

નાણાકીય બાબતોની ચર્ચા કરવાને બદલે જાણે કુલપતિ અને કુલનાયક બંને એકબીજાને 'ભીંસ'માં લેવાના ન હોય તેમ આવ્યા હતા. કુલપતિની જાણ બહાર મોટી રકમ કુલનાયક દેસાણીએ મંજૂર કરતા કુલપતિ નીતિન પેથાણીએ વિરોધ ઉઠાવ્યો હતો તો સામે કુલનાયક વિજય દેસાણીએ પણ કુલપતિ પેથાણીને બરાબરનું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે તમે કયાં યુનિવર્સિટીમાં હાજર જ હોવ છો, તમારી ગેરહાજરીમાં વહીવટી કામ તો કરવુ પડે ને મારે....! કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણી વચ્ચે સતત ૩૦ મિનિટ સુધી પરસ્પર આક્ષેપબાજી ચાલી હતી. એકસમયે સીન્ડીકેટ સભ્ય ભરત રામાનુજ અને ભાવિન કોઠારીએ બંનેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પેથાણી અને દેસાણીએ કોઈ મચક આપી ન હતી અને ઝઘડા ચાલુ રાખ્યા હતા. ઉપસ્થિત સૌ સ્તબ્ધ બની ગયા હતા. આ બનાવની ભારે ચર્ચા યુનિવર્સિટીમાં ચાલી રહી છે.

(3:54 pm IST)