Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વિધીના બહાને ૪ ગઠીયા બે મિત્રોનું ૧૦II લાખનું સોનુ બઠ્ઠાવી ગયા

રાજકોટના પ્રમુખ આર્કેડના બીજા માળે કહેવાતા તાંત્રિક આશીફ ઉર્ફ સોનુ મલિક, જાકિર ઉર્ફ ગુરૂજી મલિક, નદીમ અને જીબ્રાને કરી ઠગાઇ : શાપર કારખાનામાં કામ કરતા મોરબી રોડ અક્ષરધામ સોસાયટીના રાજેશ પટેલે ૬II લાખનું સોનુ અને મિત્ર જગદીશ પીઠવાએ ૪ લાખનું સોનુ ગુમાવ્યું: એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યોઃ ટીવી ચેનલમાં બાબાની જાહેરાત વાંચીને નડતર દૂર કરાવવા ગયા ને લાખો ગુમાવ્યાઃ ગઠીયાઓએ જે ઓફિસ ભાડે રાખી હતી તેને તાળા મારી ભાગી ગયા : અઢી માસ પહેલાની ઘટનાઃ પહેલા વિધી માટે ૪૫૦૦ પડાવ્યાઃ પછી કાગળના ત્રણ તાવીજ આપી દરરોજ સાંજે કોઇ જોવે નહિ એ રીતે ઘરની ડેલીએ સળગાવવાની વિધી કરવા કહ્યું : એ પછી માટીના બે કોડીયા વચ્ચે સોનાના દાગીના મુકી માથે કપડુ બાંધી ઘરે વિધી કરવા કહ્યું : છેલ્લી વિધી ઓફિસે કરવી પડશે તેમ કહી બંને મિત્રોના સોનાના દાગીના સાથેના કોડીયા બદલી લીધા : માટીના બે કોડીયા વચ્ચે સોનાના દાગીના મુકી માથે લાલ કપડુ બાંધી વિધી કરીઃ ઘરે જઇ કોડીયા ખોલવાનું કહેવાયું: બંને મિત્રોએ ઘરે જઇ કોડીયા ખોલતાં સોનાના દાગીનાને બદલે ખીલીઓ અને ઇમિટેશન જ્વેલરી નીકળી!!

રાજકોટ તા. ૧૨: આજના આધુનિક યુગમાં પણ કહેવાતા તાંત્રીકો વિધી કરવાના બહાન લોકોને સરળતાથી છેતરી લેતા હોય છે. આવા એક કિસ્સામાં મોરબી રોડ પર રહેતાં અને શાપર કારખાનામાં કામ કરતાં પટેલ યુવાન તથા તેના મિત્રને 'તમને નડતર છે, તાંત્રિકવિધી કરવી પડશે' કહી માટીના કોડીયામાં સોનુ મુકી વિધી કરવાના બહાને કોડીયા પર લાલ કપડુ બાંધી દઇ બાદમાં આ બંનેની નજર ચુકવી કોડીયા બદલાવી લઇ ઘરે જઇને કોડીયા ખોલવાનું કહેતાં બંનેએ ઘરે જઇને કોડીયા પરના કપડા ખોલતાં અંદરથી સોનાને બદલે ખીલીઓ અને ઇમિટેશનના દાગીના નીકળતાં બંને ચોંકી ગયા હતાં. ગઠીયાઓ રૂ. ૧૦II લાખનું સોનુ આ રીતે બઠ્ઠાવી ગયા હતાં. માલવીયા ચોક પ્રમુખ આર્કેડના બીજા માળે આ ઘટના ભાડાની ઓફિસમાં બની હતી. પોલીસે ગુનો નોંધી એકને સકંજામાં લઇ બીજા ત્રણની શોધખોળ આદરી છે.

બનાવ અંગે પોલીસે મોરબી રોડ અક્ષરધામ-૩માં રહેતાં રાજેશભાઇ કેશુભાઇ રૂપાપરા (ઉ.૪૨) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી આશીફ ઉર્ફ સોનુ મલિક, જાકિર ઉર્ફ ગુરૂજી મલિક, નદીમ અહેમદખાન અને જીબ્રાન સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે. રાજેશભાઇએ પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા જણાવ્યું છે કે હું શાપર વેરાવળમાંકોમેટ ટૂલ્સ નામના કારખાનામાં ત્રણ વર્ષથી નોકરી કરુ છું. અઢી મહિના પહેલા ટીવી ચેનલમાં માણસના જીવનમાં કોઇપણ પ્રકારના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ થઇ જશે તેવી જાહેરાત આવતી હોઇ તે જોઇ હતી. જેમાં ગુરૂ મોસાજી બંગાળી બાબાના ફોન નંબર હતાં. મારા કુટુંબમાં કંઇક ને કંઇક બિમારી રહેતી હોઇ અને કામધંધામાં પણ બરાબર જામતું ન હોઇ જેથી મેં ગુરૂ મોસાજી બંગાળીબાબાને ફોન કર્યો હતો. તેણે ઓફિસે રૂબરૂ આવવાનું કહેતાં બીજા દિવસે સાંજે ચારેક વાગ્યે ફોન કરી માલવીયા ચોક પ્રમુખ આર્કેડ બિલ્ડીંગના બીજા માળે આવેલી ઓફિસે હું ગયો હતો.

જ્યાં કાઉન્ટર પર બે માણસો બેઠા હતાં. તેણે વાતચીત દરમિયાન પોતાના નામ નદીમ અહેમદખાન અને જીબ્રાન જણાવ્યા હતાં. આ બંને ઓફિસ અંદર બીજા એક રૂમમાં લઇ ગયા હતાં. જ્યાં એક માણસ માથે કાળુ કપડુ બાંધીને કાળા રંગના કપડા પહેરી ગાદલા પર બેઠેલો જોવા મળ્યો હતો. એ શખ્સ ગુરૂજી પોતે હોવાની ઓળખ અપાઇ હતી અને તેનું નામ આશીફ ઉર્ફ સોનુ હોવાનું કહેવાયું હતું. સાઇબાબાની મુર્તિ પાસે દિવા અને અગરબત્તી કરાયેલા હતાં. મને પુછવામાં આવતાં મેં તેને મારી તકલીફ જણાવી હતી. આથી ગુરૂજીએ વિધીના રૂ. ૪૫૦૦ આપો એટલે રાત્રે હું જોઇ લઇશ કે તમને શું નડતર છે?

રાજેશભાઇ પટેલે આગળ જણાવ્યું છે કે મેં ગુરૂજીના કહેવા મુજબ તેને રૂ. ૪૫૦૦ આપી દીધા હતાં. તેણે હું ફોન કરી પછી આવજો તેમ કહેતાં હું નીકળી ગયો હતો. એ પછી બીજા દિવસે સવારે અગિયારેક વાગ્યે હું ગુરૂજી આશીફ ઉર્ફ સોનુનો ફોન આવતાં તેની ઓફિસે બપોરે બે આસપાસ પહોંચી ગયો હતો. ત્યારે તેણે ત્રણ ભુંગળી વાળેલા કાગળના તાવીજ આપી કહેલ કે તારે આ તાવીજ રોજ સાંજે ત્રણ દિવસ સુધી તારા ઘરની બહાર કોઇ જોવે નહિ એ રીતે બાળી નાંખવાના છે. આથી હું મેં એ મુજબ ત્રણ દિવસ સુધી કર્યુ હતું. વિધી પુરી થયા બાદ મેં તેને ફોન કર્યો હતો. તેણે ફરીથી ઓફિસે બોલાવતાં હું ત્યાં જતાં તેણે બીજા ત્રણ તાવીજ આપ્યા હતાં. ફરીથી અગાઉ જેવી જ વિધી કરવા કહ્યું હતું. તેમ કર્યા પછી ફરીથી તેની ઓફિસે જતાં આ વખતે આશીફ ઉર્ફ સોનુ, નદીમ, જીબ્રાન ઉપરાંત ચોથો એક શખ્સ પણ હતો. આ શખ્સ પોતાના ગુરૂજી જાકીર મલિક હોવાનું સોનુએ કહ્યું હતું. મારી હાજરીમાં જ આશીફ ઉર્ફ સોનુએ ગુરૂજી જાકીર મલિકને કહેલ કે આ ભાઇનું કામ થતું નથી.

આથી જાકીર મલિકે મારી જન્મતારીખ પુછી કાગળમાં કંઇક લખ્યું હતું. પછી મને કહેલ કે તમને એક માણસ નડે છે. જેથી તમારે ૩૦૦ ગ્રામ સોનુ બે કોડીયાની વચ્ચે રાખી લાલ કપડામાં બાંધીને વિધી કરવી પડશે. આ વિધી તમારે તમારા ઘરે જ કરવાની છેે. આ વાત પછી મેં મારા ઘરે ૨૦૦ ગ્રામ સોનુ જેમાં ત્રણ વીંટી, બે પેન્ડન્ટ સેટ, હાથનો પંજો, મંગળસુત્ર, બે બંગડી, બે કોડીયા વચ્ચે રાખી લાલ કપડામાં બાંધી ગુરૂજીએ કહ્યા મુજબ બે કોડીયા વચ્ચે આ સોનુ રાખીને વિધી કરી હતી. ત્રણ દિવસ સુધી આમ કર્યુ હતું. બાદમાં મારા મિત્ર જગદીશ મનુભાઇ પીઠવાને પણ વાત કરી હતી. તેને પણ તકલીફ હોઇ તે પણ ગુરૂજી જાકીર મલિકને મળવા આવ્યો હતો. ગુરૂજીએ બને તેટલા વધુ વજનનું સોનુ રાખીને વિધી કરવાથી ઝડપથી કામ થશે તેમ કહેતાં અમે બંને મિત્રોએ કુલ ૩૫૦ ગ્રામ જેટલુ સોનુ ભેગુ કર્યુ હતું. જેમાં જગદીશનું ૧૫૦ ગ્રામ સોનુ હતું.

આ સોનુ ઓફિસે લાવીને છેલ્લી વિધી કરવી પડશે તેવી વાત જાકીર મલિકે કરી હતી. આથી હું મારુ સોનુ ૬ લાખનું અને મિત્ર જગદીશ તેનું સોનુ ૪II લાખનું અલગ-અલગ કોડીયા વચ્ચે રાખી માથે લાલ કપડા બાંધી જાકીર મલિકની ઓફિસે પહોંચ્યા હતાં. ત્યાં આશીફ ઉર્ફ સોનુ, નદીમ, ઝીબ્રાન અને જાકીર મલિક હાજર હતાં. અમારૂ સોનુ અમે આશીફ ઉર્ફ સોનુને આપ્યું હતું. અમારી નજર સામે જ તેણે કપડુ ખોલ્યું હતું અને તેમાં ગુલાબના ફુલ રાખી ફરીથી પેક કરી દીધેલ. એ પછી વિધી કરવામાં આવી હતી. બાદમાં અમને કપડુ બાંધેલી હાલતમાં કોડીયા પાછા આપી બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે આ કપડા ખોલજો તેમ કહી કોડીયા પાછા આપી દેતાં અમે બંને મિત્રો ઘરે પહોંચ્યા હતાં.

એ પછી બીજા દિવસે અગિયાર વાગ્યે આશીફ ઉર્ફ સોનુનો ફોન આવ્યો હતો કે અગિયાર વાગ્યે નહિ પણ બપોર પછી કપડુ ખોલજો. આથી મેં મારા મિત્ર જગદીશને વાત કરી હતી કે બપોર પછી કપડુ ખોલવાનું છે. એ પછી એકાદ કલાક બાદ આશીફ ઉર્ફ સોનુને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હોઇ શંકા ઉપજતાં મેં કોડીયા પરનું કપડુ છોડીને જોતાં કોડીયામાં લોખંડની ખીલીઓ અને ઇમિટેશનની વસ્તુઓ જોવા મળી હતી. મિત્ર જગદીશને વાત કરતાં તેને પણ આવુ જ થતાં અમે ફરીથી કહેવાતા ગુરૂજીની ઓફિસે ગયા હતાં. પણ ત્યાં કોઇ હતું નહિ. ઓફિસ માલિક નટવરલાલ બોરીચા મળેલા તેણે આ ઓફિસ ભાડે આપ્યાની અને ભાડા કરાર હોવાની વાત કરી હતી. ચારેય શખ્સ ઓફિસને તાળુ મારી ભાગી ગયાની વાત પણ ઓફિસ માલિકે કરી હતી.

આમ આ ચારેય ગઠીયા તાંત્રિકવિધી કરવાના બહાને બે મિત્રોનું રૂ. ૧૦II લાખનું સોનુ લઇ છુમંતર થઇ ગયા હતાં.  મામલો હવે પોલીસ સુધી પહોચતા એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બે ગઠીયા સકંજામાં: મોરબી, અમદાવાદ, સુરત અને  દિલ્હીમાં પણ અનેકને છેતર્યા

.નડતર દુર કરવાના બહાને લોકોને છેતરી લેનારા ચાર ગઠીયા સામે એ-ડિવીઝનમાં ગુનો નોંધાયો છે ત્યારે ક્રાઇમ બ્રાંચે આ પેકી બે ગઠીયાને ઉઠાવી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ રાજકોટ ઉપરાંત મોરબી, અમદાવાદ, સુરત અને દિલ્હીમાં પણ અનેકને છેતર્યા હોવાની પ્રાથમિક વિગતો ખુલી રહી છે.

(3:27 pm IST)