Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ગોંડલ-રાજકોટ યાર્ડમાં નવા કપાસની આવકો શરૂ

ગોંડલ યાર્ડમાં પ્રથમ નોરતાથી આવકો શરૂ કરાઇઃ રાજકોટ યાર્ડમાં ૧૦ દિ'થી આવકો ચાલુ છેઃ કપાસ એક મણના ભાવ ૯૦૦ થી ૧ર૧૬

રાજકોટ, તા., ૧રઃ સૌરાષ્ટ્રના મુખ્ય યાર્ડો ગોંડલ અને રાજકોટ યાર્ડમાં નવા કપાસની આવકો શરૂ થઇ ગઇ છે. ખેડુતોને એક મણ કપાસના ભાવ ૯૦૦ થી ૧ર૧૬ રૂ. સુધી મળી રહયા છે.

સૌરાષ્ટ્રના નોરતાના પ્રારંભે યાર્ડોમાં નવા કપાસની આવકો શરૂ થાય છે. ગોંડલ યાર્ડમાં પ્રથમ નોરતે નવા કપાસની હરરાજી શરૂ થઇ હતી. આજે ગોંડલ યાર્ડમાં નવા કપાસની  પપ૦ થી વધુ મણની આવકો થઇ હતી અને એક મણ કપાસના ભાવ  ૯૦૦ થી ૧ર૧૬ રૂ. ના ભાવે સોદા પડયા હતા. ધીમે ધીમે આવકો વધતી જશે તેમ ગોંડલ યાર્ડના સેક્રેટરી સોમાણીએ જણાવ્યું હતું.

બીજી બાજુ રાજકોટ યાર્ડમાં પણ નોરતા પુર્વે જ નવા કપાસની આવકો શરૂ થઇ ગઇ છે. યાર્ડના સેક્રેટરી તેજાણીના જણાવ્યા મુજબ રાજકોટ યાર્ડમાં છેલ્લા દસેક દિવસથી નવા કપાસની આવકો ચાલુ છે.

 આજે રાજકોટ યાર્ડમાં ૧પ૦૦૦ મણ કપાસની આવકો થઇ હતી. ધીમે ધીમે આવકો વધી રહી છે.  ખેડુતોને ૯પ૦ થી ૧ર૦૦ રૂ. સુધીના ભાવો મળી રહયા છે. આગામી દિવસોમાં હજુ આવકો વધે તેવી શકયતા છે.

ગત વર્ષે ખેડુતોને કપાસના ભાવો અપુરતા મળ્યા હતા. ચાલુ વર્ષે શરૂઆતમાં ખેડુતોને સારા ભાવ મળી રહયા છે. જો કે આવકો વધતા આ ભાવ તુટશે તેવું વેપારી સુત્રોએ જણાવ્યું હતું. (૪.૪)

 

(11:57 am IST)