Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

આપમાં ઉપલેટા બેઠકના ઉમેદવાર સામે કાર્યકરોએ વિરોધ નોંધાવતા હોબાળો મચાવ્‍યો

આમ આદમી પાર્ટીમાં જુથવાદ દેખાયોઃ ઉમેદવારની જાહેરાત બાદ શરૂ થયો વિવાદઃ ઉપલેટા, ભાયાવદરના આગેવાનોએ કાર્યાલય ખાતે કર્યો હોબાળોઃ વિપુલ સખિયાની પસંદગીને લઈને સ્‍થાનિક આગેવાનોમાં નારાજગી

રાજકોટ, તા.૧૨: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. તેમ છતાં આમ આદમી પાર્ટી દ્વારા પહેલ કરીને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની નવી શરૂઆત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા અત્‍યાર સુધી ત્રણ ઉમેદવારોનું લિસ્‍ટ જાહેર કરવામાં આવ્‍યું છે. જે પૈકી એક બેઠક રાજકોટના ઉપલેટાની છે. રાજકોટના ઉપલેટામાંથી આપ દ્વારા વિપુલ સખિયાની પસંદગી કરવામાં આવી છે. જેને લઇને સ્‍થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં સ્‍થાનિક કાર્યકરો દ્વારા કાર્યાલય ખાતે આ મામલે માથાકુટ કરવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે.

આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાતની ચૂંટણી પર છે. આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાના ઉમેદવારોની તબક્કાવાર રીતે ત્રણ યાદી જાહેર કરી છે. તેવામાં રાજકોટની ઉપલેટા બેઠકના ઉમેદવારની જાહેરાત બાદ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્‍યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટની ઉપલેટા બેઠકના ઉમેદવારની જાહેરાત બાદ વિવાદ સામે આવ્‍યો છે. જેમાં ઉપલેટા, ભાયાવદરના યુવાનોએ હોબાળો કર્યો હતો. ઉપલેટા માટે વિપુલ સખિયાની પસંદગીને લઈને નારાજગી સામે આવી છે. જેમાં આ ટિકિટ વહેંચણીમાં કોઈ કાર્યકરોની સહિ નથી લેવાઈ ન હોવાના જૂના આગેવાનોનો ટિકિટ વહેંચણી સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેની સાથે ટિકિટ વહેચણીમાં મીલિભગત થઈ હોવાનો પણ આક્ષેપ કાર્યકરો દ્વારા કરવામાં આવ્‍યો છે.

આ અંગે આપના પોરબંદર લોકસભા સીટના પ્રમુખ ગોવિંદભાઈ વાલાણી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્‍યું હતું કે, આમ આદમી પાર્ટીએ દરેક લોકોને વિચારવાની છૂટ આપી છે. તમામ કાર્યકરો એક જૂથ બનીને રહે. મનભેદ હોઈ શકે પણ મતભેદ કોઈને નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્‍હીના મુખ્‍યમંત્રી સતત ગુજરાતના પ્રવાસે આવી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં જીતાડવા તેઓ દ્વારા અનેક ગેરંટી તેમજ ગેરંટી કાર્ડ પણ આપવામાં આવ્‍યા છે. જેથી આ વર્ષે ભાજપ અને આપ વચ્‍ચે કાંટાની ટક્કર જોવા મળે તેવી શકયતા જોવા મળી રહી છે.

(4:12 pm IST)