Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

રાજકોટમાં કુલ ૩૭ ઈંચ ખાબકી ગયો છતાં ઉકળાટ- બફારો યથાવત

વરસાદ પડે તે સમયે જ વાતાવરણમાં ટાઢક જોવા મળે, તડકો નિકળતાની સાથે ફરી શહેરીજનો ગરમીથી ત્રસ્‍ત બની જાય છેઃ છેલ્લા કેટલાક દિવસોથી મહતમ તાપમાન પણ ૩૩ થી ૩૫ ડીગ્રી વચ્‍ચે જ જોવા મળે છે

રાજકોટઃ શહેરમાં મેઘરાજા ફરીથી વરસી રહ્યા છે. ખાસ કરીને બપોર બાદ સમી સાંજે વિજળીના કડાકા- ભડાકા સાથે વરસી જાય છે. આ સપ્‍તાહમાં પણ વરસાદનો રાઉન્‍ડ જારી રહેશે. તેવું હવામાન શાષાીઓનું માનવું છે.
દરમિયાન રાજકોટ શહેરમાં અત્‍યાર સુધી મોસમનો કુલ વરસાદ ૩૭ ઈંચે પહોંચી ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ સારો જ થયો છે. હજુ આ મહિનો બાકી છે. સામાન્‍યતઃ ચોમાસુ વિદાય લ્‍યે ત્‍યારે મોસમનો કુલ ૫૦ ઈંચની આસપાસ વરસી જતો હોય છે. આ છેલ્લા કેટલાક વર્ષોનો અંદાજ છે.
રાજકોટ શહેરમાં અત્‍યાર સુધી મોસમનો કુલ ૩૭ ઈંચ વરસાદ પડી ચુકયો છે. આમ છતાં હજુ  પણ તાપ સાથે ગરમી ઉકળાટ બફારો યથાવત છે. છેલ્લા કેટલાક સમયથી તો મહતમ તાપમાન એટલે કે દિવસનું તાપમાન પણ ૩૩ થી ૩૫ ડીગ્રીએ નોંધાય છે. આમ, ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થાય છે.
જે સમયે વરસાદી માહોલ જોવા મળે  ત્‍યારે વાતાવરણમાં ઠંડક  પ્રસરે છે. ઠંડા પવન ફૂંકાતા હોય શહેરીજનોને હાંસકારો થાય છે. ગત શનિવાર મોડી સાંજે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં માત્ર બે થી ત્રણ કલાકમાં સાડા ત્રણ ઈંચ પાણી પડી ગયું તો તેના બીજાજ દિવસે એટલે કે રવિવારે સવારથી જ તડકો જોવા મળતા ફરી શહેરીજનો પરસેવે નિતર્યા હતા.
દિવસ દરમ્‍યાન આકરા તાપ સાથે ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠે છે. સાંજના સમયે પવનનું જોર જોવા મળતાં આંશિક રાહત રહે છે.
ગઈકાલે સાંજે પણ મેઘરાજા વિજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડયા હતા. મોડીરાત્રે પણ વરસાદ ખાબકયો હતો.

 

(3:28 pm IST)