Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

રૈયાધારના રંગારા રામચંદ્ર મારવાડીને ૧૨ કિલો ગાંજા સાથે એસઓજીએ દબોચ્‍યોઃ નાસિકથી લાવ્‍યાનું રટણ

કલર કામ કરતો શખ્‍સ કોને કોને વેંચતો'તો તેની તપાસઃ કુલ ૧ા લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ વિરમભાઇ ધગલ અને ટીમે મારવાડી મફતીયાપરા પાસેથી પકડી લીધો : હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણની સફળ બાતમી

રાજકોટ તા. ૧૨: શહેર એસઓજીએ વધુ એક વખત યુવાધનને બરબાદીના રસ્‍તે ધકેલતાં માદક પદાર્થના નેટવર્કને ઉઘાડુ પાડવાની કામગીરી કરી છે. રૈયાધાર મારવાડીવાસ મફતીયાપરામાં રહેતાં રંગારા-કલર કામ કરતાં મારવાડી શખ્‍સને ૧૨ કિલો ગાંજા સાથે દબોચી લીધો છે. નાસિક તરફથી તે આ ગાંજો લાવ્‍યાનું રટણ કરતો હોઇ વિશેષ તપાસ માટે યુનિવર્સિટી પોલીસની ટીમ રિમાન્‍ડ મેળવવા તજવીજ કરશે.

શહેરમાં નાર્કોટિક્‍સ પદાર્થની હેરાફેરી કે વેંચાણ કરતાં અને અસામાજીક પ્રવૃતિ આચરનારા અથવા નાર્કોટિક્‍સ પદાર્થનું ખરીદ વેંચાણ કરતાં કે સેવન કરતાં હોય એવા શખ્‍સોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ શહેર એસઓજીની ટીમ તપાસમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણને પાક્કી બાતમી મળી હતી કે ૩૦ થી ૩૫ વર્ષનો શખ્‍સ કે જેણે ગ્રે કલરનું ગોળ ગળાનું ટી-શર્ટ તથા બ્‍લુ ટ્રેક પહેર્યુ છે તે રૈયાધાર મારવાડીવાસ મફતીયાપરા શેરી નં. ૪માં પોતાના ઘર નજીક માદક પદાર્થ સાથે આવવાનો છે. આ બાતમીને આધારે ટીમે વોચ રાખતાં બાતમી મુજબનો શખ્‍સ ત્‍યાં આવતાં તેને સકંજામાં લઇ પંચોની હાજરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ શખ્‍સ પાસે હાથમાં કાળો થેલો અને પીઠ પર ટ્રાવેલ બેગ હતી. તેનું નામ પુછતાં રામચંદ્ર પ્રભુલાલ મારવાડી (ઉ.વ.૩૫) હોવાનું કહ્યું હતું. તેની પાસેની ટ્રાવેલ બેગ ચેક કરતાં અંદરથી કંઇ મળ્‍યું નહોતું. બીજા કાળા રંગના થેલામાં તપાસ કરતાં અંદરથી વનસ્‍પતિજન્‍ય બીજ તથા સુકા પાંદડા ડાળખી મળ્‍યા હતાં. એફએસએલ અધિકારી શ્રી વાય. એચ. દવે પાસે ખાત્રી કરાવતાં આ ગાંજો હોવાનું તેમણે પ્રાથમિક પરિક્ષણ કરી આપ્‍યું હતું. વજન કરીને જોતાં આ પદાર્થ ૧૨ કિલો થયો હતો. જેથી રામચંદ્ર મારવાડી વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસમાં એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવ્‍યો હતો. તેની પાસેથી ૧.૨૦ લાખનો ગાંજો, એક મોબાઇલ ફોન, બે બેગ, બાબા ટ્રાવેલ્‍સ રોયલ ટ્રાવેલ્‍સની ટિકીટો જે નાસિકથી અમદાવાદની હતી તે કબ્‍જે કરવામાં આવી હતી. આ રીતે કુલ ૧,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પ્રાથમિક પુછતાછમાં રામચંદ્ર મારવાડીએ રટણ કર્યુ હતું કે તે રંગારા તરીકે એટલે કે કલર કામની મજૂરી કરે છે. ગાંજો નાસિક તરફથી લાવ્‍યો હતો. તે કોને કોને આપતો હતો અને નાસિકથી કોની પાસેથી લાવ્‍યો એજાણવા આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બી. જી. ડાંગર કરશે. (૧૪.૮)

ગાંજા સાથે ઝડપાયેલો મારવાડી શખ્‍સ રામચંદ્ર

(1:53 pm IST)