Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મ.ન.પા.નો કોરોના વોરિયર્સ નર્સિંગ સ્ટાફ ન્યાય માટે ભાજપ કાર્યાલયે પહોંચ્યો

પગાર મળતો નથી - રજા પણ નથી રાખતા : જીવના જોખમે સતત કામગીરી કરતા આશાવર્કરો - નર્સીંગ સ્ટાફના કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓએ શહેર પ્રમુખને આવેદન પાઠવ્યું

હવે તમે ન્યાય અપાવો : પગાર સહિતના મુદ્દે ગઇકાલે મ.ન.પા.ના કોન્ટ્રાકટ બેઝ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ પાડી મ્યુ. કમિશનરને રજૂઆત કર્યા બાદ આજે સવારે શહેર ભાજપના કાર્યાલયે પહોંચી અને શહેર પ્રમુખ કમલેશ મીરાણીને આવેદનપત્ર પાઠવી ન્યાય અપાવવા માંગ ઉઠાવી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૨ : કોરોના કાળમાં આરોગ્ય કર્મચારીઓ ખરા કોરોના વોરિયર્સ સાબિત થઇ રહ્યા છે ત્યાં મ.ન.પા.ના આરોગ્ય કેન્દ્રમાં ૧૧ મહિનાના કોન્ટ્રાકટ બેઝથી ફરજ બજાવતા ૧૫૦ જેટલા કર્મચારીઓ તથા આશાવર્કર - આંગણવાડી વર્કરો આજે પગાર, રજા અને કામગીરીના બોજા સહિતના મુદ્દે શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તથા શહેર પ્રમુખ કમલેશ મીરાણીને આવેદનપત્ર પાઠવી આ મુદ્દે ન્યાય અપાવવા માંગ ઉઠાવી હતી.

આ રજૂઆતમાં આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આ કર્મચારીઓ વર્ષોથી ૧૧ મહિનાના કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવે છે છતાં કાયમી કરાયા નથી.

હાલમાં કોવિડ-૧૯ હેઠળની મહત્વની ફિલ્ડ કામગીરી બજાવે છે. સતત ફિલ્ડવર્કમાં સંજીવની રથ, ટેસ્ટીંગ વગેરે કામગીરી બજાવી રહ્યા છીએ એકપણ દિવસની રજા અપાતી નથી. પગાર માત્ર ૮ થી ૮ાા હજાર જેટલો આપે છે તે પણ અનિયમિત અપાય છે. રોટેશન મુજબ ફરજ સોંપાતી નથી.

આ બધી યાતના વચ્ચે પણ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબટેકનીશ્યન, આશાવર્કરો, આંગણવાડી વર્કરો વગેરે શારીરિક - માનસિક રીતે મજબૂતાઇ દાખવી જીવના જોખમે કામગીરી કરે છે છતાં ઉકત તમામ મુદ્દાઓની રજૂઆતો ધ્યાને નથી લેવાતી.  આથી આજે આરોગ્ય કેન્દ્રો સંજીવની રથ વગેરેમાં ફરજ બજાવતા ૧૫૦ જેટલા આરોગ્ય કર્મચારીઓએ ટોળા સ્વરૂપે એકત્રીત થઇ અને ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ઉકત તમામ રજૂઆતો ધ્યાને લઇ ન્યાય અપાવવા માંગ ઉઠાવી હતી.

હડતાલ અંગે નોટીસો

દરમિયાન આરોગ્ય કર્મચારીઓની હડતાલ બાબતે તંત્ર દ્વારા લાગતા - વળગતાઓને નોટીસ પણ અપાયાનું જાણવા મળ્યું છે.

(3:29 pm IST)