Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પંચાયતની સામાન્ય સભામાં આરોગ્ય અધિકારી ભંડેરી સામે આક્રોશઃ સરકારમાં પાછા મોકલવા સર્વાનુમતી

ડી.ડી.ઓ.એ ગંભીર આક્ષેપોની તપાસની ખાતરી આપતા ઠરાવ અટકયોઃ સિંચાઈના કામોમાં વિલંબ બાબતે પણ તડાપીટ

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાની અધ્યક્ષતામાં મળેલ તે પ્રસંગની તસ્વીરમાં મંચ પર ધારાસભ્યો બ્રિજેશ મેરજા, લલિત કગથરા, ઉપપ્રમુખ સુભાષ માંકડિયા, કારોબારી અધ્યક્ષવ રેખાબેન પટોળિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા, ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા, ડે. ડી.ડી.ઓ. ધીરેન મકવાણા વગેરે ઉપસ્થિત છે. અન્ય તસ્વીરો ચર્ચામાં ભાગ લઈ રહેલા સભ્યોની છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૫)

રાજકોટ, તા. ૧૨ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં સિંચાઈ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે સભ્યોએ તડાપીટ બોલાવી હતી. આરોગ્ય સમિતિના અધ્યક્ષ હેતલબેન ગોહેલે આરોગ્ય વિભાગના અધિકારી (જિલ્લા આર.સી.એચ.) ડો. એમ.એન. ભંડેરી સામે અત્યંત ગંભીર આક્ષેપો કરતા અને ભંડેરી સામેની નારાજગીમાં અન્ય સભ્યોએ સૂર પુરાવતા મામલો ખૂબ ગરમ થઈ ગયો હતો. ચોક્કસ પ્રકારનો વહીવટ ન થાય તો અધિકારી કામ ન કરતા હોવાનો અને હેરાન કરતા હોવાના આક્ષેપે સન્નાટો ફેલાવી દીધો હતો.

સામાન્ય સભામાં વિનુભાઈ ધડુક, રેખાબેન પટોળીયા, હેતલબેન ગોહેલ, પરસોતમભાઈ લુણાગરીયા વગેરે સહિતના સભ્યોના ૧૪ પ્રશ્નો હતા. એક કલાકથી વધુ સમયની ચર્ચામાં આ સભ્યો ઉપરાંત અર્જુન ખાટરિયા, ચંદુભાઈ શીંગાળા, ભાનુબેન તળપદા વગેરેએ ભાગ લીધો હતો. પંચાયતના ઓછા સ્ટાફ બાબતે સરકારમાં અસરકારક રજુઆત કરવા ડી.ડી.ઓ.ને અનુરોધ કર્યો હતો. વિનુભાઈ ધડુકે સિંચાઈના કામોમાં ઘોર વિલંબ થઈ રહ્યાનો આક્રોશ વ્યકત કર્યો હતો.

સભ્ય હેતલબેન ગોહેલે પૂર વખતની આરોગ્ય શાખાની કામગીરીને બિરદાવ્યા બાદ જણાવેલ કે જસદણના માંડવરાય હોસ્પીટલમાં ચિરંજીવ યોજના ડો. ભંડેરીએ મનસ્વી રીતે બંધ કરાવી છે. તેમણે આ મુદ્દે ભંડેરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અન્ય એક સભ્ય નિલેશ વિરાણીએ સરધારમાં પણ ડો. ભંડેરીએ આવુ જ કર્યાનું જણાવ્યુ હતું. ભંડેરીની કાર્યપદ્ધતિ બાબતે મોટાભાગના સભ્યોએ આક્રોશ ઠાલવેલ.

એક તબક્કે સભ્યોએ આ ડોકટરને સરકારમાં પાછા મોકલવા ઠરાવ કરવા માંગણી કરેલ. આ બાબતે તમામ સભ્યોએ સહમતીમાં ઉંચી આંગળી કરેલ. જો કે ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસીયાએ જણાવેલ કે, આ અધિકારીની બદલી કરવાની કે તેની સત્તામાં કાપ મુકવાની પોતાને સત્તા ન હોવાનું જણાવી પોતે અંગત રીતે તેમની સામેના આક્ષેપોની તપાસ કરશે તેવુ વારંવાર વચન આપ્યુ હતું.

સામાન્ય સભા સમયે ડો. ભંડેરી પંચાયત સંકુલમાં જ હોવાનું જણાવી ચંદુભાઈ શીંગાળાએ તેમને જવાબ આપવા માટે સભામાં બોલાવવા માંગણી કરેલ. ડી.ડી.ઓ.એ જણાવેલ કે તેમના વિભાગના વડા અધિકારી ડો. કતિરા અહીં હાજર છે તેથી ભંડેરીને બોલાવવાની જરૂર નથી.

ભંડેરી સામેની તપાસ કેટલા દિવસમાં પુરી કરશો ? તેવુ ભાવનાબેન ભૂતે પૂછેલ પરંતુ ડી.ડી.ઓ.એ તેની કોઈ મુદત દર્શાવતો જવાબ આપેલ નહિ.

ભંડેરી સામેના સભ્યોના વ્યાપક આક્રોશ અંગે ડી.ડી.ઓ.ની પ્રતિક્રિયા બાબતે સભ્યોમાં અલગ અલગ આંતરિક ચર્ચા થતી સાંભળવા મળી હતી.

સામાન્ય સભામાં પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સહિતના સ્વર્ગસ્થોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

(3:54 pm IST)