Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

છળકપટથી એસીબી કેસ કરાવી ખુશી છીનવી લીધી : મહિલા તલાટીનો આપઘાત

કોઈપણ વ્યકિત જીવ આપે ત્યારે તેની વાત ગંભીરતાથી લેવી જોઈએ

રાજકોટ : નારોલ વિસ્તારમાં રહેતી અને ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડેડ મહિલા તલાટીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકે સુસાઇડ નોટમાં એસીબીમાં ફરિયાદ કરનાર રમણ પટેલે તેના પરિવારની ખુશીઓ છીનવી લીધી અને છળકપટથી ચાર માસ પહેલા ૪ હજારનો એસીબીનો કેસ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

નારોલ આકૃતિ ટાઉનશીપની નજીક આવેલી શ્રીનાથ રેસિડેન્સીમાં તુષારભાઈ શંકરભાઈ વેગડા તેમની પત્ની શીતલ(ઉ.ર૮) સાથે રહેતા હતા.

તુષારભાઈ નિકોલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરે છે અને તેમની પત્ની શીતલ મેમનગર સરકારી ચાવડીમાં રેવન્યુ તલાટી તરીકે નોકરી કરતી હતી. ગત ૧૪ મેના રોજ શીતલબેન ૪ હજારની લાંચ લેતા પકડાયા હતા. રમણ આત્મારામ પટેલે એસીબીની ટ્રેપ કરાવી હતી.

પિતાના મોત બાદ વારસાઇના પ્રમાણપત્ર માટે ૪ હજાર માંગ્યા હોવાનો કેસ થયો હતો. એસીબીનો કેસ થતાં મહિલાને મનમાં લાગી આવ્યુ હતુ જેથી તેણે અંતિમ પગલુ ભર્યું હતુ.

સુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, રમણ આત્મારામ પટેલે મારી ખુશી છીનવી લીધી છે હું નોકરી કરતી ત્યારે ખુશ હતી. રમણે વિશ્વાસમાં લઈ છળકપટથી એસીબીનો કેસ કરાવ્યો અને મને અને મારા કુટુંબને બદનામ કરી દીધો છે. હેરાન કરી નાખી છે રેવન્યુની નોકરી છોડાવી દીધી છે.

(1:08 pm IST)