Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રાજકોટ ચેમ્બર તથા FIEO દ્વારા GST અંગે યોજાયો સેમીનારઃ સદિશકુમાર - ધર્મેશ ગોયાણી - પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન અપાયુ

વેપારીઓ - ઉદ્યોગકારો પોતાના પ્રશ્નો - સમસ્યાઓની ચેમ્બરને જાણ કરેઃ વીપી-પાર્થ ગણાત્રા

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફેડરેશન ઓફ ઈન્ડીયન એક્ષપોર્ટ ઓર્ગેનાઈઝેશન, એફઆઈઈઓના સંયુકત ઉપક્રમે નિકાસકારોને 'જીએસટી અંતર્ગત વાર્ષિક રિટર્ન તથા ઓડિટ' વિષયે જાણકારી - માર્ગદર્શન આપતો સેમીનાર તા. ૯-૮-૨૦૧૯ શુક્રવારના રોજ રાજકોટ ચેમ્બર હોલ ખાતે યોજવામાં આવેલ. જેમાં ગુજરાતના નિષ્ણાંત વકતા સી.એ. પુનિત પ્રજાપતિએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નિકાસકારોને માર્ગદર્શન આપેલ.

સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ અને ફિઓના કન્વીનર પાર્થભાઈ ગણાત્રાએ સર્વેને આવકારી નિકાસકારોને મુંઝવતા પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે ચેમ્બર હંમેશા મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે નિકાસકારોને જીએસટીમાં વાર્ષિક રિટર્ન ફાઈલ તથા ઓડિટ અંગે માર્ગદર્શન મળી રહે તે માટે આ સેમિનાર યોજેલ છે. જે ખૂબ જ ઉપયોગી બની રહેશે. વધુમાં ઉદ્યોગકારોને કંઈ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો ચેમ્બરને જાણ કરી તેનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું તેમ જણાવેલ.

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ વેપાર-ઉદ્યોગના વિકાસ માટે ચેમ્બર હંમેશા સજાગ છે. રાજકોટ-સૌરાષ્ટ્રમાં નિકાસકારો થકી ઉદ્યોગોમાં દિન-પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. ચેમ્બર દ્વારા અવારનવાર વિવિધ વિષયો પર સેમિનારો યોજવામાં આવે છે. જ્યારથી જીએસટીનું અમલીકરણ થયું છે. ત્યારથી તેના વિવિધ પાસાઓને સમજવા માટે ચેમ્બર દ્વારા મહત્વના સેમિનારો યોજવામાં આવેલ છે ત્યારે આજરોજ નિકાસકારોએ જીએસટીમાં વાર્ષિક રિટર્ન કેમ ફાઈલ કરવું અને ઓડિટ બાબતે નિષ્ણાંત વકતાને બોલાવી માર્ગદર્શન મળી રહે તે માટે આ સેમિનાર યોજવામાં આવેલ છે. સેમિનારમાં ખાસ ઉપસ્થિત સીજીએસટીના આસી. કમિશ્નર શ્રી સદિશકુમાર તથા એસજીએસટીના ડેપ્યુટી કમિશ્નર ધર્મેશ ગોયાણી દ્વારા ઉદ્યોગકારોને જીએસટીની નવી જોગવાઈઓ વિશે જાણ કરી આજનો આ સેમિનાર નિકાસકારોને ઘણો લાભદાયી રહેશે જેથી આ અંગે કંઈપણ પ્રશ્ન કે સમસ્યાઓ હોય તો જરૂર પડયે અમારા ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો અને તેનો ચોક્કસપણે નિકાલ લાવવા પ્રયત્નો કરીશું તેમજ સેમિનારમાં આમંત્રણ આપવા બદલ આભાર વ્યકત કરેલ.

સેમિનારના મુખ્ય વકતા સીએ પુનિત પ્રજાપતિ દ્વારા આયાત-નિકાસમાં વેપારનું મહત્વ અને ઉપયોગીતાનો ખ્યાલ આપી જીએસટી અંતર્ગત નવી જોગવાઈઓમાં નિકાસકારોને વાર્ષિક રિટર્ન કઈ રીતે ફાઈલ કરવું અને ઓડિટ કઈ રીતે કરાવવું ? તે અંગે ચર્ચા કરેલ. જેમાં મુખ્યત્વે જીએસટીઆર-૧, જીએસટીઆર-૩ વાર્ષિક રિટર્નમાં વધારાની જવાબદારીઓ, ડીઆરસી-૦૩, વાર્ષિક રિટર્નમાં વધારાની ક્રેડિટ, ઈન્વર્ડ અને આઉટવર્ડ સપ્લાય, ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ, આગામી નાણાકીય વર્ષમાં ટ્રાન્ઝેકશનની જાણ, એફઓઆરએમ જીએસટીઆર-૯, જીએસટીઆર-૯સી, આરસીએમ, ઈન્વર્ડ અને આઉટવર્ડ સપ્લાયમાં એચએસએન વાઈઝ સમરી, ઓડિટમાં બેઝીક ડિટેઈલ, ટર્નઓવર, ચુકવેલ ટેક્ષની આઈટીસી વગેરે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત છણાવટ કરી નિકાસકારોને પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા માર્ગદર્શન આપેલ.

(4:01 pm IST)