Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કામનાથ મહાદેવનો ૭૦ મો પાટોત્સવ રંગેચંગે ઉજવાયો : ધામધુમથી નિકળી વરણાંગી

રાજકોટ : શહેરના હાર્દસમા બેડીનાકા વિસ્તારમાં બિરાજતા શ્રી કામનાથ મહાદેવ મંદિરના ૭૦ માં પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. 'દાદા' ના હુલામણા નામથી ઓળખાતા સ્વ. શાંતિલાલ વિઠ્ઠલજીભાઇ કકકડના આશીર્વાદ અને તેમણે કંડારેલી કેડીએ કકકડ પરિવાર દ્વારા પરંપરાગત રીતે પાટોત્સવ ઉજવાયો હતો. બીલીપત્ર, રૂદ્રી, શિવમહીમા થકી શિવજીની ઉપાસના અહીં આખો શ્રાવણમાસ ચાલી રહી છે. દરમિયાન પાટોત્સવ પ્રસંગે પ્રિયવદનભાઇ કકકડ અને પરિવારના સદસ્યો દ્વારા સવારે લઘુરૂદ્રાભિષેક પૂજન તથા ષોડશોપચાર પૂજન કરવામાં આવેલ. બપોરે વાજતે ગાજતે મહાદેવજીની વરણાંગી યોજવામાં આવી હતી. જે કામનાથ મહાદેવ મંદિરેથી પ્રારંભ થઇ રૈયાનાકા રોડ, પરાબજાર, ધર્મેન્દ્રરોડ, સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા, આશાપુરા રોડ, કોઠારીયા નાકા, દરબારગઢ રોડ થઇ નીજ મંદિરે પરત ફરેલ. વરણાંગી દરમિયાન જામખંભાળીયાના પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ અને સૌરાષ્ટ્રભરમાંથી આવેલ રાસમંડળીઓએ સહભાગી થઇ રાસની રમઝટ બોલાવી હતી. તે પ્રસંગની વિવિધ તસ્વીરો અહીં નજરે પડે છે.

(3:59 pm IST)