Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ભગવતીપરામાં પાંચ વર્ષના માસુમ રાજનનું ભેદી મોતઃ ઘોડાએ 'જીવ લીધો' કે કાળા રંગની કાર 'કાળ' બની?!

મુળ યુપીના દંપતિએ લાડકવાયો ગુમાવતાં અરેરાટીઃ પોલીસ સીસીટીવી કેમેરાને આધારે તપાસ કરશે

માસુમ રાજન (ઉ.૫)નો ફાઇલ ફોટો, તેનો નિષ્પ્રાણ દેહ અને શોકમાં ગરક માતા તથા પિતા જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: શહેરના ભગવતીપરામાં પાંચ વર્ષના બાળકનું ભેદી રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મોત નિપજતાં લાડકવાયો ગુમાવનાર મુળ યુપીનું દંપતિ શોકમાં ગરક થઇ ગયું છે. શેરીમાં રમી રહેલા આ બાળકને માથામાં અને પેટમાં ઇજા થઇ હતી. લત્તાવાસીઓના કહેવા મુજબ ઘોડાએ પાટુ મારી આ ટેણીયાને ઉલાળી દીધો હતો, તો બીજી તરફ એક કાળા રંગની  કારનો ચાલક ઠોકરે લઇને ભાગી ગયાની વાતો ચર્ચાતી હોઇ પોલીસ આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા છે કે કેમ? તે અંગે તપાસ કરી સત્ય શોધશે.

જાણવા મળ્યા મુજબ ભગવતીપરા જયપ્રકાશનગર-૩માં સુખ સાગર હોલ પાસે  ભાડેથી રહેતાં મુળ ઉત્તર પ્રદેશના રણજીત દુર્વિજયસિંગ કઠેરીયા અને સાધનાબેન કઠેરીયાનો પુત્ર રાજન (ઉ.વ.૫) બાલ મંદિરમાં ભણતો હતો. આજે બકરી ઇદની રજા હોઇ ઘરે હતો. સવારે તે શેરીમાં રમવા ગયો હતો એ પછી કોઇએ સાધનાબેનને 'તમારા દિકરાને લાગી ગ્યું છે, બહાર બેભાન પડ્યો છે...' તેમ જાણ કરતાં તેઓ હાંફળા-ફાંફળા થતાં બહાર દોડી ગયા હતાં. તેણે જોતાં દિકરો લોહીલુહાણ પડ્યો હતો અને માથામાં ઇજા થયેલી હતી અને પેટના ભાગે ઢસડાયો હોઇ તેવા ઉજરડા જોવા મળ્યા હતાં. આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હોઇ રાજનને તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડવા પ્રબંધ કર્યો હતો. કારખાને ગયેલા પિતા રણજીત કઠેરીયાને જાણ થતાં તે પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

જો કે અહિ રાજનનો મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ કયાબેને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકને કેવી રીતે લાગી ગયું? તે અંગે જુદી-જુદી વાતો સામે આવી હતી. સાથે આવેલા પડોશી મહિલાઓના કહેવા મુજબ રખડતા ઘોડાએ રાજનને પાટુ મારી ઉલાળી દીધો હતો, તો મૃતકના પિતા રણજીત કઠેરીયાને કોઇએ એવું કહ્યું હતું કે કાળા રંગની કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

પોલીસ આસપાસમાં સીસીટીવી કેમેરા હોય તો તે તપાસી ખરેખર શું ઘટના બની? તેની તપાસ કરી રહી છે. લાડકવાયાના મોતથી દંપતિ શોકમાં ગરક થઇ ગયું છે. તે આઠ દસ વર્ષથી રાજકોટ રહે છે. મૃતક રાજન એક બહેનથી મોટો હતો.

(3:55 pm IST)