Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

શુક્રવારે તણાઇ ગયેલા વિરડા વાજડીના પ્રવિણ મકવાણાની ત્રીજા દિવસે લાશ મળી

નાઇટ શિફટમાં કારખાને કામે જવા નીકળ્યો એ પહેલા નદી જોવા જતાં તણાઇ ગયો'તોઃ દલિત પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: કાલાવડ રોડ પરના વિરડા વાજડી ગામે રહેતો પ્રવિણ શામજીભાઇ મકવાણા (ઉ.૧૯) નામનો દલિત યુવાન શુક્રવારે ભારે વરસાદ વરસતાં ગામની નદીમાં પુર આવતાં તે જોવા જતાં તણાઇ ગયો હતો. તેની ગઇકાલે રવિવારે વાગુદડના પાટીયા પાસે ખાણમાંથી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૃત્યુ પામનાર પ્રવિણ મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાં કામ કરતો હતો. તે શુક્રવારે નાઇટ શિફટમાં કામે જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ કંપનીની બસ જ્યાં આવતી હતી એ સ્ટોપ પર પહોંચતા પહેલા પુર જોવા ગયો હતો અને તણાઇ ગયો હતો. બે દિવસની શોધખોળ બાદ ગઇકાલે ત્રીજા દિવસે તેનો મૃતદેહ મળતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતદેહને પીએસઆઇ ધાંધલ સહિતના સ્ટાફે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો હતો.

મૃતક બે ભાઇ અને બે બહેનમાં મોટો અને અપરિણીત હતો. તેના પિતા પણ છુટક મજૂરી કરે છે. યુવાન અને આધારસ્તંભ સમા દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:58 am IST)