Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જાણે કાળ બોલાવતો હતો...ક્રિકેટ રમવાનું પડતું મુકી ખાડામાં ન્હાવા ગયા ને ઢાંઢણીના જોડકા બંધુ કરણ-અર્જૂન તથા માસીયાઇ ભાઇ સમીરનો જીવ ગયો

રૈયાધાર સવન સાઇટના પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડતાં ત્રણ બાળકોના મોતથી વણકર પરિવારોમાં કલ્પાંતઃ ૧૪-૧૪ વર્ષના કરણ-અર્જૂન ઢાંઢણીથી રૈયાધાર મામા જગદીભાઇ જીતીયાના ઘરે રોકાવા આવ્યા'તાઃ આ બંને તથા મામાનો દિકરો શિભમ્ જીતીયા અને માસીયાઇ સમીર મકવાણા દડે-બેટ રમવા નીકળ્યા ત્યાંથી ન્હાવા ગયાઃ શિભમ્ે ન્હાવાની ના પાડી ને બચી ગયોઃ મોટા ખાડામાં પાણી ભર્યુ હોઇ છતાં તકેદારી રૂપે ભયજનકના બોર્ડ લગાવ્યા નહોતા કે આડશ રાખી નહોતી...: બિલ્ડર-કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયા બાદ મોડી રાતે ત્રણેયના મૃતદેહ સ્વીકારાયા

મોતનો ખાડોઃ રૈયાધારમાં સવન સરફેસ  નામના નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર પાયા માટે ખોદાયેલા વિશાળ ખાડામાં વરસાદી પાણી ભર્યુ હોઇ તેમાં બે જુડવા બંધુ કરણ-અર્જૂન તથા તેનો માસીયાઇ ભાઇ સમીર ન્હાવા જતાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતાં. ત્રણેયના મૃતદેહ સાંજે બહાર કાઢવામાં આવ્યા ત્યારના દ્રશ્યો અને ત્રણેય હતભાગીની  ફાઇલ તસ્વીરો જોઇ શકાય છે. પોલીસે બિલ્ડર-કોન્ટ્રાકટર સામે સાઇટ પર પાણી ભરેલુ હોવા છતાં ભયજનકનું બોર્ડ લગાવ્યું ન હોઇ તેમજ આડશ મુકી ન હોઇ તે બાબતે મૃતક પૈકીના સમીરના પિતા મુકેશભાઇ મકવાણાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૨: રૈયાધાર અને ત્રંબા પાસેના ઢાંઢણી ગામના વણકર પરિવારો માટે રવિવારે 'કાળો' સાબિત થયો હતો. ઢાંઢણીથી રૈયાધારમાં રહેતાં મામાના ઘરે રોકાવા આવેલા વણકર પરિવારના ૧૪-૧૪ વર્ષના બે જોડીયા ભાઇઓ અને રૈયાધારમાં રહેતો તેનો ૧૪ વર્ષનો માસીયાઇ ભાઇ રૈયાધારની સવન સાઇટ (નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ)ના પાયા માટેના વિશાળ ખાડામાં પાણી ભરાયું હોઇ ન્હાવા માટે પડતાં ત્રણેય ડૂબી ગયા હતાં. ત્રણેય સાથે મામાનો દિકરો પણ હતો, પરંતુ તે ન્હાવા ન પડતાં બચી ગયો હતો. ઘરેથી ક્રિકેટ રમવા જવાનું કહીને નીકળ્યા હતાં પરંતુ બાદમાં  ત્રણને જાણે કાળ પોકારતો હોઇ તેમ વિશાળ હોજ જેવા પાણી ભરેલા ખાડામાં ન્હાવા ગયા હતાં અને ગરક થઇ જતાં જીવ ગયો હતો. જુડવા બંધુના મૃતદેહ ઢાંઢણી લઇ જવાયા હતાં. ત્રીજાની રૈયાધારથી અંતિમયાત્રા નીકળી હતી. સવન સાઇટના બિલ્ડર-કોન્ટ્રાકટરની બેદરકારીથી દૂર્ઘટના બન્યાના આરોપ સાથે રાતે મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કરી દીધો હતો. મોડી રાતે ગુનો દાખલ થતાં મૃતદેહ સ્વીકારાયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ રૈયાધારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રહેતાં જગદીશભાઇ ઉકાભાઇ જીતીયા (વણકર)ના ઘરે ઢાંઢણી ગામેથી તેમની બહેન હેમીબેન જગદીશભાઇ વધેરાના બે જૂડવા દિકરા કરણ વધેરા (ઉ.૧૪) અને અર્જૂન વધેરા (ઉ.૧૪) શનિવારે રોકાવા માટે આવ્યા હતાં. આ બંને ભાઇઓ તથા જગદીશભાઇના નાના ભાઇ મુકેશભાઇ મકવાણાનો દિકરો સમીર (ઉ.૧૪) તથા આ ત્રણેયનો માસીયાઇ ભાઇ શિભમ્ અનિલભાઇ જીતીયા (ઉ.૧૨) એમ ચારેય ગઇકાલે બપોરે એકાદ વાગ્યા બાદ ઘરેથી દડે-બેટ રમવા જવાનું કહીને નીકળ્યા હતાં. પરંતુ મોડી સાંજ સુધી ઘરે ન આવતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

બીજી તરફ શિભમ્ જીતીયા તેના ઘરે મળતાં તેને માસીયાઇ ભાઇઓ કરણ, અર્જૂન અને સમીર વિશે પુછતાં પહેલા તો તેણે પોતાને ખબર નહિ હોવાનું કહ્યું હતું. એ પછી તેણે જે વિગત વર્ણવી હતી તે સાંભળી સોૈ હતપ્રભ થઇ ગયા હતાં. શિભમ્ના કહેવા મુજબ પોતે તથા ત્રણેય ભાઇઓ ક્રિકેટ રમતાં હતાં એ પછી સવન સાઇટના ખાડામાં ન્હાવા માટે જવાનું નક્કી કર્યુ હતું. પરંતુ પોતે મોટો ખાડો જોઇ ગભરાઇ જતાં કાંઠેથી જ પાછો વળ્યો હતો અને ભાઇઓને પણ અંદર ન જવા કહ્યું હતું. પરંતુ આ ત્રણેયને જાણે કાળ બોલાવતો હોઇ તેમ ન્હાવા માટે ખાડામાં ઉતર્યા હતાં અને ડૂબવા માંડ્યા હતાં. બચાવો-બચાવોની બૂમો પાડી હતી પણ કોઇ નજીકમાં નહોતું.

આ દ્રશ્યો જોઇ ગભરાઇને પોતે (શિભમ્) ઘરે આવી ગયો હતો અને ગભરાઇ ગયો હોઇ કોઇને વાત કરી નહોતી. સાંજે ખબર પડતાં પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પી.આઇ.  એ.એલ. આચાર્ય, પીએસઆઇ બી. જી. ડાંગર, રાઇટર ગિરીરાજસિંહ જાડેજા, જે. પી. મેવાડા તથા ડી. સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે મથામણ બાદ એક પછી એક ત્રણેયને મૃતદેહ બહાર કાઢ્યા હતાં. જોડીયા બંધુ કરણ-અર્જૂન અને તેના મામાના દિકરા સમીરના મોતથી ત્રણેયના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃતદેહોને સિવિલ હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા બાદ સ્વજનોએ સવન સાઇટના બિલ્ડર, કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે આ દૂર્ઘટના બની હોવાનું અને સાઇટ પર પાણીનો ઉંડો ખાડો હોવા છતાં ભયજનકનું બોર્ડ લગાડ્યું ન હોઇ તેમજ આડશ રાખી ન હોઇ જેથી બાળકો ન્હાવા જતાં ડૂબી જતાં મોત થયાનો આક્ષેપ કરી જ્યાં સુધી જવાબદારો સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકાવાનો નિર્ણય કર્યો હતો.

અંતે પોલીસે સવન સાઇટના બિલ્ડર-કે કોન્ટ્રાકટર વિરૂધ્ધ આઇપીસી ૩૦૪ (અ) મુજબ રૈયાધારના મુકેશભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.૪૨-રહે. રૈયા ગામ)ની ફરિયાદ પરથી સાઇટના બિલ્ડર કે કોન્ટ્રાકટર વિરૂધ્ધ ગુનો નોંધતા મોડી રાતે દોઢેક વાગ્યે મૃતદેહો સ્વીકારાયા હતાં. કરણ-અર્જૂનના મૃતદેહ અંતિમવિધી માટે ઢાંઢણી ગામે લઇ જવાયા હતાં. સમીરની અંતિમયાત્રા રૈયાધારથી નીકળી હતી. બનાવને પગલે પરિવારોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

કરણ-અર્જૂન ૯મું ભણતા'તાઃ માતા-પિતાએ એક સાથે બંને પુત્રોેને ગુમાવતાં કલ્પાંતઃ સમીર ત્રણ બહેન-બે ભાઇમાં નાનો હતો અને તે પણ રમેશભાઇ છાંયામાં ૯મું ધોરણ ભણતો હતો

. રૈયાધારના પાણીના ખાડામાં એક સાથે ડૂબી જતાં મોતને ભેટેલા બે જૂડવા ભાઇઓ કરણ અને અર્જૂન માતા હેમીબેન અને પિતા જગદીશભાઇ વધેરાના લાડકવાયા હતાં. બંને ઢાંઢણી ગામે ધોરણ-૯માં અભ્યાસ કરતાં હતાં. એક સાથે બંને સંતાન ગુમાવતાં વધેરા દંપતિ પર વજ્રઘાત થયો છે. જગદીશભાઇ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બીજી તરફ સમીર મકવાણા ત્રણ બહેન અને બે ભાઇમાં સોૈથી નાનો હતો.  તે પણ રાજકોટ રમેશભાઇ છાંયામાં ૯મું ધોરણ ભણતો હતો. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના માતાનું નામ ચંદાબેન છે.

(11:57 am IST)