Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

એએસઆઇ ખુશ્બૂબેન કાનાબારના કુટુંબીજનોને ચાર દિવસમાં સંપુર્ણ તપાસની ખાત્રી બાદ મૃતદેહ સ્વીકારાયો

યુનિવર્સિટીના એએસઆઇ અને કોન્સ્ટેબલના અપમૃત્યુમાં ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે : અમરનાથ યાત્રામાં ગયેલા ખુશ્બૂબેનના ભાઇ બપોર સુધીમાં જામજોધપુર પહોંચ્યા બાદ અંતિમવિધી : એક સમયે ખુશ્બૂબેનનો મૃતદેહ સંભાળવનો પરિવારે ઈન્કાર કર્યો'તોઃ પોલીસ કમિશનરે યોગ્ય તપાસની ખાત્રી આપી : રવિરાજસિંહે ખુશ્બૂબેન પર ફાયરીંગ કર્યા બાદ તેણે પોતાના લમણે ગોળી ધરબી દીધાનું પોલીસનું પ્રાથમિક તારણ

રાજકોટ તા. ૧૨: શહેરના યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા એએસઆઇ ખુશ્બૂબેન રાજેશભાઇ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાના અપમૃત્યુના બનાવ બાદ ગત સાંજે જામજોધપુરથી આવેલા ખુશ્બૂબેનના કુટુંબીજનોએ આ ઘટના આપઘાતની નહિ પણ હત્યાની હોવાનું જણાવી પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી જ્યાં સુધી પોતાને તપાસમાં સંતોષ ન મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સંભાળે તેમ જણાવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એફએસએલના રિપોર્ટ આવી જાય તે સાથે ચાર દિવસમાં જ તપાસનો રિપોર્ટ આપશે અને કોઇપણ જાતની કચાશ રાખવામાં નહિ આવે તેવી ખાત્રી આપતાં સાંજે ખુશ્બૂબેનનો મૃતદેહ સંભાળી જામજોધપુર લઇ જવાયો હતો. એફએસઅલની તપાસના પ્રાથમિક તારણ બાદ એવી શકયતા જણાઇ છે કે રવિરાજસિંહે પ્રથમ ફાયરીંગ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હશે. જો કે ખરેખર શું બન્યું? તે હજુ પણ સ્પષ્ટ થયું નથી.

ખુશ્બૂબેન કાનાબારનો મૃતદેહ સાંજે જામજોધપુર લઇ જવાયો હતો. તેમના ભાઇ કરણભાઇ અમરનાથ યાત્રામાં ગયા હોઇ તેને જાણ થતાં દિલ્હીથી હવાઇ માર્ગે પરત આવવા નીકળી ગયા હતાં. બપોર સુધીમાં તે જામજોધપુર પહોંચ્યા પછી અંતિમયાત્રા નીકળશે તેમ જાણવા મળ્યું છે.

ગઇકાલે સાંજે ખુશ્બૂબેનના પિત્રાઇ ભાઇ જીજ્ઞેશભાઇ સુરેશભાઇ કાનાબારે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે અમને ઘટનાની બપોરે જાણ થઇ હતી અને અમે રાજકોટ પહોંચીએ પછી જ મૃતદેહ હટાવજો તેવું કહ્યું હોવા છતાં અમે પહોંચ્યા ત્યાં સુધીમાં મૃતદેહ હોસ્પિટલે લઇ જવાયા હતાં. ખુશ્બૂબેન બહાદુર હતાં, તે આત્મહત્યા કરે તેવા નહોતાં અને તેવું કોઇ કારણ પણ નહોતું. આ બનાવ હત્યાનો હોવાની અમને દ્રઢ શંકા છે. જ્યાં સુધી અમને તપાસમાં સંતોષ નહિ મળે ત્યાં સુધી અમે બહેનનો મૃતદેહ નહિ સંભાળીએ.

પોલીસ કમિશનરશ્રીએ રજૂઆત સાંભળી આ કેસમાં તમામ મુદ્દે તપાસ થશે અને સત્ય જે કંઇપણ હશે તે ચાર દિવસમાં સામે લાવવામાં આવશે તેવી ખાત્રી આપતાં અંતે સાંજે મૃતદેહ સંભાળી લેવાયો હતો. પોલીસ મથકમાં હજુ એ.ડી. નોંધી તપાસ યથાવત રખાઇ છે. ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમ અનેક મુદ્દે તપાસ કરી રહી છે.

બીજી તરફ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની અંતિમવિધી તેમના વતન શાપર (મોરબી) ખાતે કરવામાં આવી હતી. ઘટનાની બંનેના સ્વજનો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. જેમાં રવિરાજસિંહના અનેક મિત્રો, સાથી કર્મચારીઓ તેમજ રાજકોટ શહેર-રૂરલના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતાં.

એએસઆઇ-જમાદાર હવે પછી નોકરી પુરી થયે સર્વિસ રિવોલ્વર ઘરે લઇ જઇ શકશે નહિ

.મહિલા એએસઆઇના સર્વિસ હથીયારથી ફાયરીંગમાં તેણીનું અને કોન્સ્ટેબલનું મૃત્યુ થયાની ઘટનાને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાકીદે એવો આદેશ કર્યો છે કે હવે પછી કોઇપણ એએસઆઇ, જમાદાર સર્વિસ રિવોલ્વર નોકરી પુરી થયે ઘરે લઇ જઇ શકશે નહિ. નોકરી પુરી થતાં તેમણે હથીયાર પોલીસ મથકમાં જમા કરાવવાનું રહેશે અને નોકરી પર આવ્યે પરત મેળવવાનું રહેશે. આ આદેશનો આજથી જ અમલ કરવા તમામ થાણા ઇન્ચાર્જને સુચના આપી દેવામાં આવી છે.

(1:24 pm IST)
  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST