Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલમાં દાર્જલીંગના સુરજદાસનું વિનામુલ્યે હૃદયના વાલ્વનું સફળ ઓપરેશન

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે, અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવું જ એક પેશન્ટ સુરજ દિલબહાદુર દાસ (ઉમર ૩૨ વર્ષ ગામ : સિલીગુડી જીલ્લોઃ દાર્જલીંગ, વેસ્ટ બેંગાલ)નું વતની હૃદયરોગથી પીડિત શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે આવેલ હતું.

 આ દર્દીના કુટુંબમાં માતા, પત્ની તથા એક પુત્ર છે. દર્દી તથા તેમના પત્ની સિલીગુડીની જે કંપની માં અગાઉ લેબર કામ  કરતા હતા તે કંપની બંધ થઇ જતા છેલ્લા ૩ વર્ષથી બેકાર થઇ જતા જીવનનિર્વાહ કરવાનું પણ મુશ્કેલ થઈ  ગયું હતુ. આ દરમ્યાન  હૃદયની બીમારી થતાં દર્દીએ  નિદાન કરાવતા તેમના હૃદયનો વાલ્વ ખરાબ થઇ જતા બદલાવવાની ઓપરેશનની સલાહ મળતા અને આ ઓપરેશનનો  અંદાજિત ખર્ચ  ૩ લાખ રૂપિયા  જણાવતા આ કુટુંબ ઉપર આભ તૂટી પડ્યું હતું.

 આ ગરીબ દર્દીનું કુટુંબ ઓપરેશનનો ખર્ચ કરી શકે તેમ હતા નહિ પણ આ સમય દરમ્યાન કલકતા ખાતે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા યોજાયેલ ફ્રી નિદાન કૅમ્પની માહિતી મળતા દર્દી એ રજીસ્ટ્રેશન  કરાવેલ હતું. આ કેમ્પમા દર્દીની  તપાસ  અને નિદાન કરવામાં આવેલ હતું તથા  શ્રી  સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે દાખલ થવાનું જણાવેલ હતું.

 આ દર્દીનો હૃદયનો વાલ્વ વિનામૂલ્યે બદલાવવાનું  સફળ ઓપરેશન કરવામાં આવેલ હતું અને દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તા. ૧૧.૫.૨૦૨૧ના રોજ રજા આપવામાં આવી હતી ભગવાન શ્રી સાંઈબાબા ની કૃપા તથા  આશીર્વાદથી દર્દીને નવું જીવન  પ્રાપ્ત થયું છે.

(3:07 pm IST)