Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

૨૪ કલાક વેપાર - ધંધાથી શહેરની સુરક્ષાને ખતરો : અદાલતના દ્વાર ખટખટાવાશે

રાત્રીના ચોરી - લુંટ અને છેડતી બનાવો વધશે : યોગગુરૂ ડો. ચંદુલાલ નિર્મલ દ્વારા રજૂઆત

રાજકોટ તા. ૧૧ : રાજ્ય સરકારે ૨૪ કલાક એટલે કે રાત્રે પણ દુકાનો ખુલ્લી રાખી વેપાર - ધંધાની છુટ આપી છે. તેનાથી શહેરની સુરક્ષા સામે ખતરો ઉભો થનાર હોઇ તેની અમલવારી મોકુફ રાખવા નવજીવન યોગ આશ્રમના યોગગુરૂ ચંદુલાલ નિર્મલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને રજૂઆત કરી છે.

આ અંગે ડો. ચંદુલાલે પોલીસ કમિશ્નર તથા મ્યુ. કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાત્રીના ખાણી-પીણી સહિતની દુકાનો ખુલ્લી રાખવાથી તોફાની ઇસમોનાં ઝગડાઓ, મારા-મારીનાં બનાવો વધશે. એટલું જ નહી રાત્રીના ચોરી-લુંટ વગેરેના બનાવો બનવાની શકયતા વધુ રહેશે.

બહેન - દિકરીઓની છેડતીઓ વધશે. ટુંકમાં રાત્રીના ખાણીપીણી સહિતની દુકાનો ખુલ્લી રાખવાથી શહેરમાં અશાંતિ ફેલાશે માટે આ નિર્ણયની અમલવારી મોકુફ રાખવી જોઇએ જો આમ નહીં થાય તો આ મુદ્દે અદાલતનાં દ્વાર ખટખટાવી જાહેર હિતની અરજી કરાશે તેવી ચિમકી રજૂઆતો ઉચ્ચારાઇ છે.

(2:42 pm IST)