Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

લેખક- કવિ ધ્રુવ ભટ્ટ રવિવારે રાજકોટમાં: ''કલબલનો પ્રવાસ'' કાર્યક્રમ

ધ્રુવદાદા પોતાની સર્જન યાત્રાના અનુભવો વર્ણવશે

રાજકોટ,તા.૧૨: શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસારના ઉદ્દેશથી સ્થપાયેલ સંસ્થા ભદ્રવટ વિચાર મંચ દ્વારા પ્રકૃતિ, સંસ્કૃતિ અને અનુભૂતિના કવિ-લેખક શ્રી ધ્રુવ ભટ્ટ સાથે એક અનોખી ગોષ્ઠી ''કલબલ નો પ્રવાસ'' નું આયોજન આગામી ૧૫ મીના અને રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે રોટરી હોલ, કોઠારી લેબની બાજુમાં, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી અને હરીન્દ્ર દવે પછી ગદ્ય અને પદ્ય બન્ને અધિકારપૂર્વક લખી શકનાર ધ્રુવ ભટ્ટની અદભુત નવલકથા તત્વમસી પરથી બનેલી ગુજરાતી ફિલ્મ રેવા હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. તત્વમસીમાં ધ્રુવદાદા વાંચકો ને માં નર્મદાનો સાક્ષાત્કાર કરાવે છે તો અકૂપારમાં ગીરની ગરિમાંનું એવું વર્ણન કરે છે કે અંતે વાંચક સહર્ષ પોકારી ઉઠે ''ખમ્મા ગર્યને.''રવિવારે આયોજિત ગોષ્ઠી અંતર્ગત સમુદ્રાન્તિકે, તિમિરપંથી, અતરાપી અને પ્રતિશ્રુતિ જેવા તદ્દન નોખી ભાત પાડતા પુસ્તકો લખનાર ધ્રુવદાદા પોતાની સર્જનયાત્રાના અનુભવો વર્ણવશે અને ઉપસ્થિત શ્રોતાઓ સાથે વાર્તાલાપ પણ કરશે. સાહિત્ય રસિક જનતાને  આમંત્રણ છે. વધુ વિગતો માટે ભદ્રવટ વિચાર મંચ ૯૮૭૯૫ ૮૫૩૬૭ તેમજ ૯૭૨૬૯ ૬૮૪૩૮ પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)