Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

ઘરેલું હિંસાની પત્નિની ફરિયાદમાં પતિને ઘરમાં નહિં પ્રવેશવા મનાઇ હુકમ

રાજકોટ તા. ૧રઃ અહીંના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા રેસીડેન્સીમાં રહેતી પરણીતા નીમીષાબેન વ્યાસના લગ્ન આશરે ૧૯ વર્ષ પહેલા રાજકોટમાં જે તે વખતે નાના મૌવા રોડ પર આવેલી તપસ સોસાયટીમાં રહેતા વિમલ કાંતીલાલ વ્યાસ સાથે થયેલ હતા અને આ લગ્ન જીવનથી તેઓને એક સંતચાન થયેલ હતું.

ત્યારબાદ પતિ-પત્નિ વચ્ચે તકરાર થતાં પરણિતા એ સને ર૦૧૩ની સાલમાં પતિ સામે ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની ફરીયાદ પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે રાજકોટની ફોજદારી અદાલતમાં કરેલ હતી અને પરણીતા કાયમી સરકારી નોકરી કરતી હોઇ તેણે સગીર સંતાનના ભરણ પોષણ સહીતની અનેક રાહતોની માંગ કરેલ હતી.

આવી અરજી દાખલ થતાં અદાલતે પ્રોટેકસન અધીકારીનો રીપોર્ટ મંગાવેલ અને તે રીપોર્ટ પણ અરજદાર પત્નીની તરફેણમાં આવતાં પતિને નોટીસ કરી અદાલતમાં હાજર થવા હુકમ ફરમાવવામાં આવેલ જેથી પતિએ અદાલતમાં હાજર થોઇ પોતાનો બચાવ રજુ કરેલ હતો.

અને આ કેસ ચાલુ હતો તે દરમ્યાનજ પતિએ પત્નીના મકાનમાં પ્રવેશ કરવો નહીં તેવો હુકમ અદાલતે પતિને સાંભળ્યા વગર એકતરફી ફરમાવી આપેલ હતો. આ પછી આ કેસ દલીલ પર આવતાં પરણીતાના વકીલ શ્રી અંતાણીએ વિગતવાર દલીલો રજુ કરેલ.અને શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ અદાલતે સંતાનને અરજીની દાખલ તારીખથી એટલેકે ૩૦-૧-૧૩ થી માસીક રૂ. ર૭પ૦/- ભરણપોષણના મંજુર કરેલ આ ઉપરાંત ચાલુ કેસે જે પતિ એ પત્નિના ઘરમાં પ્રવેશ કરવો નહિં તેવો મનાઇ હુકમ અદાલતે ફરમાવેલ તે આખરી હુકમમાં કાયમ કરી આપેલ છે. ઉપરાંત મહિલા પોલીસના જવાબદાર અધીકારીને અરજદાર પરણીતા માંગે ત્યારે રક્ષણ પુરૃં પાડવાનો આદેશ પણ કરેલ છે અને પરણીતાને નુકશાન વળતરના ૪પ૦૦/- તથા અરજી ખર્ચના પ૦૦૦/- પતિએ અલગથી ચુકવવાનો આદેશ કરી આપેલ છે.

આ કેસમાં પરણીતા પત્નિ નીમીષાબેન વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:48 pm IST)