Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

દેશભરમાં માત્ર સૌરાષ્ટ્ર યુનિ.માં જ મહિલા અનામત નથી !

સૌરાષ્ટ્ર યુનિ.: મેકઅપ્ મસ્ત, વૃત્તિ કદરૂપી !

સ્ત્રી સશકિતકરણની ખૂબ વાતો કરતા મુખ્યમંત્રીના શહેરની સૌથી મોટી શિક્ષણ સંસ્થા સ્ત્રીઓને મહત્વ આપતી નથી... બેટી બચાવો, બેટી પઢાઓના શણગાર નીચે ગંધારી વાસ્તવિકતા

રાજકોટ, તા. ૧૨ :. 'એ' ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાની બેફામ ચોરી, લાગવગીયાઓને નોકરી, પૈસાના જોરે પાસ, પક્ષીય ધોરણે લેવાતા નિર્ણયોથી ભારે ચર્ચામાં રહી છે ત્યારે ગુજરાત સરકાર, ભારત સરકારની કરોડો રૂપિયાની ગ્રાંટ મેળવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના નિયમો ઘોળીને પી જતી હોય છે.

ફાઈવ સ્ટાર હોટેલોને ટક્કર મારે તેવી ભૌતિક સુવિધાઓ, અપરંપાર અધ્યાપકોને બે વર્ષે શૂટ-કોટ, લેપટોપ અને એરકન્ડીશનરની લ્હાણી, માસાંતે લાખો રૂપિયાનો ખર્ચ છતા શિક્ષણની ગરીમા વધવાને બદલે કેમ્પસ પુરતુ જ સીમીત રહ્યુ છે.

રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના નિયમો જો કુલપતિ કે યુનિવર્સિટીના સ્થાપીત હીતોને જો અનુકુળ હોય તો અપનાવે નહીંતર ખોટુ અર્થઘટન કરીને ફગાવી દે છે. છેલ્લા ત્રણ વર્ષથી યુનિવર્સિટીમા  ભરતીમાં 'સારા' વ્યકિતને બદલે 'મારા' વ્યકિતને મહત્વના સ્થાનોએ બેસાડી દેવામાં આવે છે.

'એ' ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેકઅપ મસ્ત અપ ટુ ડેટ છે, પરંતુ યુનિવર્સિટીમા સ્થાપીત હીતોની વૃતિ તો કદરૂપી જ છે. દેશભરમાં અને ગુજરાતમાં મહિલા અનામત ૩૩ ટકા જોગવાઈ છે. માત્રને માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ મહિલાઓને અનામત આપવામાં આવતુ નથી.

યુનિવર્સિટી કે જાહેર કાર્યક્રમોમા ભાજપના આગેવાનો તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સ્ત્રી સશકિતકરણના ખૂબ આગ્રહી છે છતા તેમના હોમ ટાઉનમાં જ મોટી શૈક્ષણિક સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહિલા માટે ભરતીમાં અનામત નથી.

બેટી બચાવો, બેટી પઢાવોની ડંફાસો વચ્ચે નરી વાસ્તવિકતા એ છે કે, યુનિવર્સિટીમા મહિલા અનામતનું રોટેશન અમલમાં જ નથી. યુનિવર્સિટી અગાઉના કુલપતિ કે સ્થાપીત હીતોએ 'મહિલા અનામત'ની ભલામણ સુદ્ધા કરી નથી. ભરતી આવે કે તરત મારા..મારા... ઉમેદવારોને ભાગબટાઈ કરીને ભરતી કરી લેતા હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ત્રી સશકિતકરણને જો વધુ મજબુત કરવુ હોય તો આવનારી ભરતી કે સેનેટ સીન્ડીકેટની ચૂંટણીમાં મહિલા અનામતનો સ્વીકાર કરવો જોઈએ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જો મહિલા અનામત નહી સ્વીકારાય તો આવનારા દિવસોમાં મહિલાઓ તેની શકિતનો પરચો સરકાર અને યુનિવર્સિટીના સ્થાપીત હીતોને બતાવશે તેમ જણાવેલ છે.

(3:46 pm IST)