Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

સમાજમાં અનોખુ પ્રદાન કરનારાઓનું સરગમ કલબ દ્વારા સન્માન

રાજકોટ : સમાજમાં વિવિધ ક્ષેત્રે અનેરૂ પ્રદાન કરનારા અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા અપાયેલ સેવા એવોર્ડ હાંસલ કરનાર શ્રેષ્ઠીઓને સન્માનીત કરવા સરગમ કલબ દ્વારા જાહેર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કર્ણાટકના રાજયપાલ અને સરગમ પરિવારના માર્ગદર્શક વજુભાઇ વાળાના હસ્તે આ તમામને શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરાયુ હતુ. બિન અનામત વર્ગ/શિક્ષણ અને આર્થિક વિકાસ બોર્ડના ચેરમેન બાબુલાલ ઘોડાસરા, બિન અનામત વર્ગોના આયોજન બોર્ડના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા, લોક કલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર મેળવનાર હાસ્ય કલાકાર શાહબુદીનભા રાઠોડ, લોક કલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર મેળવનાર લોક કલાકાર ઓસમાણભાઇ મીર, ધીરૂભાઇ સરવૈયા, નાટય ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર મેળવનાર નયન ભટ્ટ, નૃત્ય ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર મેળવનાર શ્રીમતી પૂર્વી શેઠ, નૃત્ય ક્ષેત્રે ગૌર પુરસ્કાર મેળવનાર ડો. નિખીલ ભટ્ટને આ સમારોહમાં સન્માનીત કરાયા હતા. ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલ઼કી તેમજ નાટય ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર મેળવનાર ડો. જયોતિબેન રાજયગુરૂ ઉપસ્થિત રહી શકયા નહોતા. અહીં પ્રાસંગીક પ્રવચન કરતા વજુભાઇ વાળાએ જણાવેલ કે અહીં જે લોકોનું સન્માન કરાયુ છે તે લોકોએ લોક કલા, નાટય અને નૃત્ય ક્ષેત્રે આપણો સાંસ્કૃતિક વારસો ઉજાગર કર્યો છે. તેમને સન્માનીત કરી સરગમ કલબે ઉચિત કાર્ય કર્યુ છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવેલ કે સારૂ કાર્ય કરનારાઓને સન્માનીત કરવાની સરગમ કલબની પરંપરા રહી છે અને આ પરંપરાના ભાગરૂપે જ આ સન્માન સમારોહ ગોઠવાયો હતો.

(3:43 pm IST)