Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કાલે ડો. સુનિલ જાદવના પુસ્તક ''સિમ્બોલ ઓફ નોલેજઃ ડો. બાબા સાહેબ આંબેડકર'' નું વિમોચન

'' પ્રજ્ઞાપુરૂષ ડો. ભીમરાવ આંબેડકર'' વિષે સેમિનારનું પણ આયોજન

 રાજકોટઃ તા.૧૨, ભારતીય બંધારણના ઘડવૈયા, અસ્પૃશ્યોના ઉદ્વારક અને મહિલાઓના મુકિતદાતા 'ભારત રત્ન' બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૨૭મી જન્મજયંતિની ધામધુમથી ઉજવણીના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અને તથાગત ગ્રુપ  રાજકોટના સંયુકત યજમાનપદે આવતીકાલે સાંજે ૬ કલાકે હોટલ ગાર્ડન ફેરીલેન્ડ (કરણાભાઇ માલધારી) ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ ખાતે જાણીતા લેખક પત્રકાર અને કાલાવડ કોલેજના પ્રાધ્યાપક એવા ડો. સુનીલ જાદવના પંદરમાં પુસ્તક ' સિમ્બોલ ઓફ નોલેજઃ ડો. બાબા સાહેબ આંબેડકર' નું વિમોચન થશેઃ લગભગ સાડાત્રણસો પાનાના આ પુસ્તકમા ડો. જાદવના  પંદર જેટલા સંશોધન લેખો ઉપરાંત સમગ્ર ગુજરાતના ટોચના લેખકો અભ્યાસસુઓના બાબાસાહેબના જીવન કાર્યોને મુલતવા સાઇઠ જેટલા બીજા લેખો પણ  સંપાદીત કરીને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાબાસાહેબના સુવાકયો, વિવિધ વિદ્વાનોના અભિપ્રાયો અને બાબાસાહેબ વિષયક કાવ્યો... વિગેરે વિગતો એક જ પુસ્તકમાં બની રહશે.

 આ કાર્યક્રમમા અધ્યક્ષ તરીકે પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત ઉદ્ઘાટક કલેકટરશ્રી રાહુલ ગુપ્તા, મુખ્ય અતિથી તરીકે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની ઉપસ્થિત રહી બાબા સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ કરશે. સ્વાગત કરણાભાઇ માલધારી કરશે. અને ભુમિકા તથા લેખનો પ્રતિભાવ ડો. સુનીલ જાદવ આપશે.

 આ તકે ' પ્રજ્ઞા પુરૂષ ડો. ભીમરાવ આંબેડકર' સેમિનાર પણ યોજાશે. જેમા ગુજરાતના જાણીતા લેખક ચિંતક પત્રકાર હરી દેસાઇ ' બાબા સાહેબની કલ્પનાનું ભારત' એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. બીજા વકતા જાણીતા દલીત કર્મશીલ અને કટારલેખક ચંદુ મહેરીયા ' બાબા સાહેબના વિચારોઃ વર્તમાન સંદર્ભે' વિષય પર વાત કરશે. અને ત્રીજા વકતા ડો. ગૌરાંગ જાની (જાણીતા સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સીટીના સમાજશાસ્ત્રના ભવનના વડા) ' વર્તમાન ગુજરાતમાં એસટી/એસસી વર્ગોની સ્થિતિ અને અનામત એટ્રોસીટીની જરૂરીયાત' વિષય પર અભ્યાસ પુર્ણ વિગતો આપશે. આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આમંત્રિતો હાજર રહેશે.

 આ કાર્યકર્મને સફળ બનાવવા માટે ડો. સુનિલભાઇ જાદવ, કરણાભાઇ માલધારી, દિલીપભાઇ સિંગરખીયા, પી.યુ. મકવાણા, એલ.બી.ભાષા, આર.એમ.સોસા, ચંદુભાઇ પરમાર, વજુભાઇ સિંગરખીયા, કે.જી.કનર, બીપીનભાઇ સોલંકી, નરેશભાઇ પરમાર વગેરે મિત્રો ભારે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:43 pm IST)