Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કોંગ્રેસ કાર્યાલયો માટે હવે ફંડ જરૂરી...

પ્રદેશ કક્ષાની મીટીંગમાં રાજકોટના ધૂરંધર કોંગી અગ્રણીના બેબાક સૂચનોઃ મુખ્યમંત્રીના બંગલે ધરણા વખતે માત્ર રાજીવ સાતવજીએ સાથ આપ્યાનું જણાવ્યુઃ શહેર કોંગ્રેસમાં જુથવાદને પોષતા સૂચનોથી આંતરીક ધુંધવાટઃ કાર્યકરો-આગેવાનોમાં ગરમા-ગરમ ચર્ચા

રાજકોટ, તા. ૧૨ :. શહેર-કોંગ્રેસમાં આંતરિક ઘુંઘવાટ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યો છે તેવા વખતે જ પ્રદેશ કક્ષાની બેઠકમાં રાજકોટ કોંગ્રેસના ધૂરંધર આગેવાને જુથવાદને પોષતા કેટલાક સૂચનો રજુ કરતા આ બાબતે કોંગી કાર્યકરો-આગેવાનોમાં જબરી ચર્ચા જગાવી છે.

કોંગ્રેસના અગ્રીમ હરોળનાં નેતાઓમાં ચર્ચાતી વિગતો મુજબ પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં ઉપસ્થિત રાજકોટના ધૂરંધર કોંગી નેતાએ સૌ પ્રથમ ગુજરાત કોંગ્રેસના રાજીવ સાતવજીએ વિધાનસભા ચૂંટણી વખતે રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નિવાસસ્થાને ધરણા કરવામાં જે સાથ આપ્યો હતો તે વાતને યાદ કરીને તેઓની સંગઠનાત્મક ભાવનાને બિરદાવી હતી, પરંતુ માત્ર રાજીવ સાતવજીએ સાથ આપ્યાનું આ ધુરંધર નેતાઓ જણાવતા તે વખતે રાજકોટના અન્ય જે કોઈ કાર્યકરોએ પણ ધરણામા ભાગ લઈ પોલીસની લાઠીઓ ખાધી હતી તેવા કોંગી નેતાઓને આ બાબત ખૂંચી હતી અને આ વાતથી જુથવાદને પોષણ મળશે તેવો મત વ્યકત કર્યો હતો. એટલુ જ નહી આ ધૂરંધર નેતાએ એવુ સૂચન પણ કર્યુ હતુ કે, હવે શહેર-જીલ્લાના કોંગ્રેસ કાર્યાલયોને ચલાવવા માટે ફંડ જરૂરી છે અને આ માટે વ્યવસ્થીત આયોજન કરી કોંગ્રેસના આગેવાનોએ તેમજ નેતાઓએ સ્વૈચ્છીક રીતે કાર્યાલયોમાં ફંડ આપવુ જોઈએ.

આમ પ્રદેશ કક્ષાની બેઠકમાં કોંગ્રેસના ધૂરંધર નેતાના આ સૂચનોથી શહેર કોંગ્રેસમાં ગરમા-ગરમ ચર્ચાઓ જાગી છે.(૨-૨૭)

(3:36 pm IST)