Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

હિંગળાજનગરમાં પીપીપી આવાસ યોજનાનો વિરોધઃ જમીન સોંપવા માંગ

૪૦ વર્ષથી વધુ સમયથી વસવાટ કરતાં ઝૂપડાવાસીઓ કહે છે 'યુએલસી'નાં કાયદા મુજબ જમીનનો કબ્જો આપી શકાય છતાં પીપીપીના નામે બિલ્ડરોને જમીન પધરાવાઇઃ ધાક-ધમકી આપી જગ્યા ખાલી કરાવાશે તો કાનુની લડતની ચિમકી

 

હિંગળાજનગર પીપીપી યોજના (ર) નથી, જોઇતી :.. હિંગળાજનગર ઝૂંપડપટ્ટીમાં ૪૦ થી વધુ રહેવાસી ભાઇ-બહેનોએ પીપીપી આવાસ યોજના સામે વિરોધ દર્શાવી અને જમીનનો કબ્જો ઝૂપાડાવાસીઓને સોંપી દેવાની માંગ ઉઠાવી આ બાબતે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત  દરમિયાન વિગતો રજૂ કરી હતી.... તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૧ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા અમીન માર્ગ પર નિર્માણ થઇ રહેલી  હીંગળાજનગર ઝૂંપડપટ્ટીમાં પીપીપી આવાસ યોજનાનો ભાગ-ર નો સ્થાનીક ઝૂપડાવાસીઓએ જબ્બર વિરોધ દર્શાવી આ સ્થળે યુ. એલ. સી. કાયદા મુજબ ઝૂપડાવાસીઓને જમીનનો કબ્જો સોંપી દેવા માંગ ઉઠાવી છે.

આ અંગે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા હિંગળાજનગરનાં રહેવાસીઓએ તંત્ર વાહકો સામે આક્ષેપો કરતાં જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હિંગળાજનગર પીપીપી યોજના -ર નો અમલકરી દીધો. હિંગળાજનગરએ અમીન માર્ગ જેવા પોષ વિસ્તારમાં આવે છે જયાં જમીનોની કિંમત કરોડોમાં અંકાય છે માટે જ રાજકીય લોકોની નજર પહેલેથી જ આ વિસ્તાર પર હતી. હાલ આજ વોર્ડના એક કોર્પોરેટર ત્યાં સ્થાનીક લોકો સાથે મીટીંગ યોજી સ્થાનિકોને પ્રેમથી જમીન ખાલી કરી કબ્જો સોંપી આપશો તો માંગશો તે મુજબની યોજના બનાવીશું અને જો નહી માનો તો રૈયાધાર જેવું થશે અને કાંઇ નહી મળે. તેવી  ગંભીર ધમકી આપી હતી.

રહેવાસીઓએ જણાવેલ કે આ વિસ્તારમાં લોકો ૪૦ વર્ષથી વધારે સમયથી વસવાટ કરે છે. ત્યારે પીપીપીના નામે ઝૂપડાવાસીઓની જમીન છીનવી બીલ્ડર લોબીને સોંપવાના કાવત્રા સામે હિંગળાજનગરના સ્થાનિકો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવશે અને તંત્ર અને સરકાર પાસે પીપીપીના બદલે યુ. એલ. સી. ના કાયદા મુજબ જમીનની માલીકી સોંપી આપવા માંગણી કરવામાં આવશે કારણ કે આ વિસ્તારમાં લોકો ૪૦ વર્ષથી વધુ સમયથી વસવાટ કરે છે અને જો તેમ છતાં જો તંત્ર કે સરકાર તેની માંગણીનો સ્વીકાર નહી કરે તો સ્થાનીકો દ્વારા ન્યાય માટે કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવેલ છે.

તેમજ સ્થાનીકોએ વિરોધના સ્વરૂપમાં જણાવેલ છે જો તંત્ર સ્થાનીક લોકોની ઇચ્છા વિરૂધ્ધ મનમાની કરીને પીપીપી યોજના બેસાડશે તો આ યોજનાનો વિરોધ કરવામાં આવશે તેમ ગોપાલભાઇ પરમાર, રાજૂભાઇ બોળીયા, દાનાભાઇ શીયાળીયા, નાથાભાઇ સોહલા, કિશનભાઇ સાટીયા, નાથાભાઇ અલગોતર, રાઘવભાઇ ચૌહાણ, મહેશભાઇ સભાડ, માણસુરભાઇ ડવ, જયરાજભાઇ ખાચર, કમાભાઇ, ઓઘડભાઇ શાપરા, ભુપતભાઇ સોહલા, બચુભાઇ બોળીયા, બાણાભાઇ પરમાર, સોનલબેન ગઢવી, હિનાબેન પટેલ, મેઘાબેન,ગીતાબેન આહીર, લક્ષ્મીબેન, સહિતનાં સ્થાનીક રહેવાસીઓએ જણાવ્યું છે. (પ-ર૧)

(3:35 pm IST)