Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

૮૦ ફુટ રોડ આજી નદીના પટમાં હત્યા

છઠીયો ઉર્ફ છઠુ દેવીપૂજકને ભાભીએ પતાવી દીધો

પતિ બૈજુ છોડીને ભાગી જતાં રાધા દિયર છઠીયા સાથે જ રહેતી હતીઃ અઠવાડીયાથી પૈસા માટે ચાલતો કંકાસ કારણભૂત : હત્યાનો ભોગ બનનાર છઠીયો ગાંડુ સોલંકી (ઉ.૫૦) પણ અગાઉ એક હત્યા કરી ચુકયો હતોઃ પાંચ વર્ષ જેલમાં રહ્યો હતો

હત્યાનો ભોગ બનનાર છઠીયો ઉર્ફ છઠુનો નિષ્પ્રાણ દેહ, તે જ્યાં રહેતો હતો તે ઘર, વેરવિખેર કબાટ તથા ઘટના સ્થળે પહોંચેલા એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એન. એન. ચુડાસમા, અજીતભાઇ, ભરતસિંહ સહિતનો સ્ટાફ જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. ૮૦ ફુટ રોડ પર હુન્ડાઇના શો રૂમની સામે આજી નદીના પુલ નીચે રહેતાં અને અગાઉ હત્યા, લૂંટ, ચોરી સહિતના ગુનામાં સંડોવાઇ ચુકેલા છઠીયો ઉર્ફ છઠુ ગાંડુ સોલંકી (ઉ.૪૨) નામના દેવીપૂજક શખ્સને તેની જ ભાભી રાધા બૈજુ સોલંકીએ પેટ-છાતીમાં છરીના બે ઘા ઝીંકી રહેંસી નાંખતા ચકચાર જાગી છે. પતિ છોડીને જતો રહ્યા બાદ રાધા દિયર છઠીયા સાથે જ રહેતી હતી. અઠવાડીયાથી દિયર-ભોજાઇ વચ્ચે મજૂરીએ જવા બાબતે અને પૈસા સહિતની બાબતે કંકાસ ચાલતો હોઇ આજે સવારે પણ ઝઘડો થતાં રાધા રોષે ભરાઇ ગઇ હતી અને છરીથી તૂટી પડી દિયરનો જીવ લઇ લીધો હતો. થોરાળા પોલીસે તેણીને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ એંસી ફુટ રોડ પર આજી નદીના પટમાં રહેતાં છઠીયો ઉર્ફ છઠુ દેવીપૂજકની હત્યા થયાની જાણ થતાં એસીપી બી. બી. રાઠોડ, થોરાળાના પી.આઇ. એન. એન. ચુડાસમા, રાઇટર ભરતભાઇ, અજીતભાઇ ડાભી, નારણભાઇ, ડી. સ્૭ાફના ફિરોઝભાઇ શેખ, ઝહીરભાઇ ખફીફ, મશરીભાઇ, વિજયભાઇ, રોહિતભાઇ, ધર્મેન્દ્રસિંહ, ડીસીબીના પી.આઇ. એચ. એમ. ગઢવી, વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, રામભાઇ આહિર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસને તપાસ કરતાં છઠીયાના પેટ-છાતીમાં છરી જેવા હથીયારના ઘાના નિશાન દેખાયા હતાં. નજીકમાં જ તેની ભાભી રાધા બૈજુ સોલંકી લોહીવાળા કપડા સાથે બેઠેલી જોવા મળી હતી. તેણે જ દિયર છઠીયાની હત્યા નિપજાવ્યાનું બહાર આવતાં પોલીસે હત્યાનો ભોગ બનનારના ભાઇ ચમન સોલંકીની ફરિયાદ પરથી રાધા સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

વિશેષ માહિતી મુજબ છઠીયો કુંવારો હતો અને પાંચ ભાઇ તથા બે બહેનમાં ત્રીજો હતો. તેના અન્ય ભાઇઓના નામ બૈજુ, કિશન, ચમન અને મુંગો તથા બહેનના નામ ઇન્દુ અને વિદ્યા છે. ઇન્દુ રૈયાધારમાં અને વિદ્યા નવાગામમાં રહે છે. સોૈથી મોટો ભાઇ બૈજુ દસેક વર્ષ પહેલા પત્નિ રાધા સાથે ઝઘડો થતાં પોતાના બે પુત્ર અને ત્રણ પુત્રી મળી પાંચ સંતાનોને લઇ રાધાને એકલી મુકી અમદાવાદ, બારડોલી તરફ ભાગી ગયો હતો. તે હાલમાં ત્યાં જ રહે છે.

બીજી તરફ રાધા તેના કુંવારા દિયર છઠીયો ઉર્ફ છઠુ સાથે રહેવા માંડી હતી. બંને લગ્ન વગર જ સાથે રહેતાં હતાં. વર્ષ ૨૦૦૮માં છઠીયાને તેના જ મિત્ર હરેશ ઉર્ફ હરિયો સોલંકી (દેવીપૂજક) સાથે માથાકુટ થતાં છઠીયાએ તેની હત્યા નિપજાવી હતી. દારૂ પીવા બાબતે ડખ્ખો થતાં લોથ ઢળી હતી. એ ગુનામાં છઠીયો પાંચ વર્ષ જેલમાં રહ્યો હતો. સારી ચાલચલગતને લીધે બાદમાં તેને છોડી મુકાતાં તે ફરીથી રાધા સાથે રહેવા આવી ગયો હતો. અઠવાડીયાથી બંને વચ્ચે મજૂરીએ જવા બાબતે અને પૈસા બાબતે માથાકુટ ચાલતી હતી. ત્યાં આજે સવારે સાડા નવેક વાગ્યે આ ઝઘડો ઉગ્ર બનતાં રાધા છરી લઇ તૂટી પડી હતી અને પેટ-છાતીમાં બે ઘા મારી દિયરને પતાવી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

રાધાને એવુ ઝનૂન ચઢ્યું કે છરીના ઘા ઝીંકયા પછી છાતીમાં ઢીકા માર્યા

. અઠવાડીયાથી રાધા અને છઠીયા વચ્ચે પૈસા બાબતે ઝઘડો ચાલતો હતો. આજે સવારે આ ઝઘડો ઉગ્ર બનતાં રાધાએ દિયર છઠીયાને પેટ-છાતીમાં છરીના બે ઘા ઝીંકી દેતાં તે પડી ગયો હતો. એ પછી તેની છાતીમાં ઢીકા પણ માર્યા હતાં. મરી ગયાની ખાત્રી કર્યા બાદ તે બીજા દિયરને જાણ કરવા ગઇ હતી.

છઠીયો ચોરી, લૂંટ, હત્યાના ગુનામાં તો રાધા પણ ચોરીના ગુનામાં પકડાઇ હતી

. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર છઠીયો ચોરી, લૂંટ અને હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હતો. તો રાધા પણ ચોરીના ગુનામાં સંડોવાઇ ચુકી હતી. એક સમયના ખિસ્સા કાતરૂ ચકુની તે ભાણેજ થતી હોવાનું પણ જણાવાયું હતું.

હત્યા બાદ રાધા બાજુમાં રહેતાં બીજા દિયર ચમનને જાણ કરવા ગઇ

. દિયર છઠીયા ઉર્ફ છઠુને પતાવી દીધા બાદ રાધાએ નજીકમાં જ રહેતાં બીજા દિયર ચમન ગાંડુભાઇ સોલંકીને જાણ કરી હતી. પહેલા તો ચમને તેણી ખોટુ બોલતી હોવાનું સમજી ધ્યાન દીધુ નહોતું. પણ હાથ લોહીવાળા જોતો ચમન દોડી આવતાં ભાઇ છઠુની લાશ જોવા મળી હતી. બાદમાં તેણે પોલીસને જાણ કરી હતી.

(2:59 pm IST)