Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

એસી ફીટ કરવા ગયેલા બેડીપરાના વ્હોરા યુવાન યુસુફનું બીજા માળેથી પટકાતાં મોત

ગોંડલ રોડ પર સત્ય વિજય આઇસ્ક્રીમ સામે નવા બનતા બિલ્ડીંગમાં મોડી રાત્રે બનાવ : લિફટ માટેની જગ્યામાં ડોકુ કાઢતાં ગબડી પડ્યોઃ ઘટના સ્થળે જ મોતઃ વિધવા માતાનો એકનો એક પુત્ર હતોઃ ત્રણ માસ પહેલા જ સગાઇ થઇ હતી

તસ્વીરમાં ઘટના સ્થળ, યુસુફનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: ગોંડલ રોડ પર સત્ય વિજય આઇસ્ક્રીમની સામેના ભાગે નવો શો રૂમ બની રહ્યો હોઇ એ બિલ્ડીંગમાં  રાત્રે એસી ફિટીંગનું કામ કરવા ગયેલો બેડીપરાનો ૨૨ વર્ષનો દાઉદી વ્હોરા યુવાન બીજા માળે લિફટની જગ્યામાં અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે કે આ યુવાનને ત્રણ મહિના પહેલા જ સગાઇ થઇ હતી. મધ્યપ્રદેશથી મંગેતર મળવા આવી હોઇ ગઇકાલે જ તે વતન જવા રવાના થઇ હતી. ત્યાં રાત્રે આ બનાવ બની જતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ બેડીપરા ફખરી પાર્ક-૨માં રહેતો યુસુફ સાદીકભાઇ પોઇચા (ઉ.૨૨) નામનો યુવાન એસી ફિટીંગનું કામ કરતો હોઇ હાલમાં તેનું કામ ગોંડલ રોડ સત્ય વિજય આઇસ્ક્રીમ સામેની શેરીમાં હોન્ડાના નવા બનતા શો રૂમમાં ચાલતું હતું. ગત રાત્રે તે બીજા ચાર યુવાનો સાથે એસી ફિટીંગ કરવા ગયો ત્યારે રાત્રે પોણા બે વાગ્યા આસપાસ બીજા માળે લિફટ માટેના ગાળા નજીક જતાં અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

બનાવની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમ મારફત થતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. કે. એ. જાડેજાએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પિતા હયાત નથી. તે માતા મુનીરાબેનનો એકનો એક આધારસ્તંભ હતો. તેની સગાઇ એમ.પી.ની યુવતિ સાથે થઇ હતી. થોડા દિવસથી તે રાજકોટ આવી હતી અને ગઇકાલે જ તેણી વતન જવા રવાના થઇ હતી. એકના એક દિકરાના મોતથી માતા સહિતના સ્વજનોમાં માતમ છવાઇ ગયો છે. (૧૪.૬)

(12:54 pm IST)